રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી બિનહરીફ કરવા માટે ભાજપ સાથે સેટિંગના આક્ષેપ બદલ બે કોંગી નેતા સસ્પેન્ડ
રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી બિનહરીફ કરવા માટે ભાજપ સાથે સેટિંગના આક્ષેપ બદલ બે કોંગી નેતા સસ્પેન્ડ
September 30, 2026 04:22 PM
રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી અંતર્ગત આજે ઉમેદવારી પત્રો રજૂ કરતી વેળાએ પ્રેસ મીડિયાને આપેલા નિવેદનમાં ચૂંટણી બિનહરીફ કરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો આક્ષેપ કરવા બદલ બે કોંગી નેતા કમલેશ કોઠીવાર અને વિજયસિંહ ચાંદલીને તાત્કાલિક અસરથી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આજે બપોરે તાત્કાલિક અસરથી, પક્ષ વિરુદ્ધ નિવેદન કર્યાના ત્રણ કલાકમાં જ વિજયસિંહ જાડેજા (ચાંદલી) અને કમલેશ કોઠીવારને સસ્પેન્શનના હુકમની બજવણી કરવામાં આવી હતી. સસ્પેન્શન હુકમમાં જણાવ્યા મુજબ પક્ષની શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરવા તથા જવાબદારીમાંથી મુક્ત કરવા અંગે જણાવ્યું છે કે આપશ્રીએ પ્રેસ-મીડિયા સમક્ષ પક્ષની છબી અને પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવા નિવેદનો આપેલ હોવાનું પક્ષના ધ્યાને આવેલ છે. આપશ્રીનું આ ગેરવર્તન પક્ષની શિસ્ત તથા સંગઠનના હિતોની વિરુદ્ધ હોવાનું જણાઈ આવેલ છે.આથી, પક્ષની શિસ્ત જાળવવાના હેતુસર ૬ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી આપ બંને ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.અને વિજય સિંહ જાડેજા વોર્ડ નં.૧૩ વોર્ડ પ્રમુખ તરીકેની તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે.તેમજ કમલેશ કોઠીવાર ને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.