BREAKING NEWS

દક્ષિણ આફ્રિકામાં 24 કલાકમાં ગોળીબારની બે ભયાનક ઘટનાઓ: અલગ-અલગ સ્થળોએ 17 લોકોની હત્યા

  • November 16, 2026 11:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ આફ્રિકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે માત્ર 24 કલાકનમાં ગોળીબારની બે અલગ-અલગ અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક ઘટનાઓ સામે આવી છે. આ બંને ગોળીબારના બનાવમાં ઓછામાં ઓછા 17 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એસોસિએટેડ પ્રેસ (AP) ના અહેવાલ મુજબ, આ બંને ઘટનાઓ એકબીજાથી આશરે 536 કિલોમીટરના અંતરે આવેલા અલગ-અલગ વિસ્તારોમાં ઘટી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ ચોંકી ઉઠી છે.


પ્રથમ ઘટના દક્ષિણ આફ્રિકાના પીટરમેરિટ્સબર્ગ શહેરની બહારના વિસ્તારોમાં બની હતી. પોલીસે સ્વીટવોટર્સ વિસ્તારમાંથી ગોળીઓથી છીંડા પડી ગયેલી એક શંકાસ્પદ કારમાંથી કુલ 8 લોકોના શબ બરામત કર્યા હતા. પ્રારંભિક તપાસમાં પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે હજુ સુધી મૃતકોની સત્તાવાર ઓળખ થઈ શકી નથી અને આ ક્રૂર હત્યાકાંડ પાછળ કોનો હાથ છે તથા કયા કારણોસર આ હુમલો કરાયો છે તે અંગે કોઈ શંકાસ્પદ વ્યક્તિનું નામ સામે આવ્યું નથી. પોલીસ આ મામેલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.


બીજી તરફ, આ ઘટનાના થોડા જ સમય બાદ રાજધાની પ્રિટોરિયા નજીક આવેલા 'જેફ્સવિલે' નામના એક વિસ્તારમાંથી વધુ એક નરસંહારના સમાચાર મળ્યા. અહીં એક નાની ઝૂંપડીની અંદરથી ગોળીઓથી વિંધાયેલા 9 અન્ય લોકોના શવ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ મૃતકોમાં 6 પુરુષો અને 3 મહિલાઓ સામેલ છે. હાલમાં પોલીસે એ સ્પષ્ટ નથી કર્યું કે આ ભોગ બનેલાઓમાં કોઈ નાના બાળકો પણ સામેલ છે કે નહીં. આ મામલે પણ હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.


ગૌટેંગ પ્રાંતની ગંભીર અને હિંસક અપરાધોની વિશેષ તપાસ યુનિટ આ સમગ્ર હત્યાકાંડની ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસ આ નવા હુમલા અને પાડોશી 'સોલ્સવિલે' વિસ્તારમાં અગાઉ બનેલી ગોળીબારની ઘટનાઓ વચ્ચે કોઈ કડી કે જોડાણ છે કે નહીં તેની પણ ગંભીરતાથી તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સોલ્સવિલેમાં થયેલા ગોળીબારમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.



દક્ષિણ આફ્રિકામાં વધી રહેલી હિંસા અને સશસ્ત્ર ગુનાઓની આ ઘટનાઓએ નાગરિકોમાં ભારે ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે. સુરક્ષા દળો દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા માટે સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application