BREAKING NEWS

રાજકોટ-જામનગર હાઇવે પર કાળમુખો અકસ્માત, કારે બાઇકને ઠોકર મારતા બે પ્રૌઢ મિત્રોના મોત

  • July 29, 2026 05:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ-જામનગર હાઇવે પર સણોસરા ગામના પાટીયા નજીક કારે ડબલ સવારી બાઇકને અડફેટે લેતા લૈયારા ગામના બે પ્રૌઢના ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક નાસી જતા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી. મૃતક બંને પ્રૌઢ સાથી મિત્ર બીમાર હોવાથી તેની ખબર અંતર પૂછવા માટે જતા હતા દરમિયાન ઘટના ઘટી હતી. બંને પ્રૌઢના મોતથી બંનેના પરિવારમાં શોક છવાયો છે.


બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલના લૈયારા ગામે રહેતા નટુભા સીદુભા જાડેજા(ઉ.વ.64) અને તળશીભાઈ કુરજીભાઈ શીંગાળા (ઉ.વ.70)ના બંને મિત્રો બાઈક લઈને સણોસરા ગામે જતા હતા ત્યારે સણોસરા ગામના પાટિયા પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને ઠોકર મારતા બંને પ્રૌઢ બાઈક સમેત રોડ પર પટકાતા ઈજાઓ થઇ હતી. બનાવના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરતા બંનેને ગંભીર હાલતમાં રાજકોની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


બનાવ અંગે હોસ્પિટલ દ્વારા ધ્રોલ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગે ધ્રોલ પોલીસે મૃતક નટુભાના પુત્ર દેવેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે જીજે - 03- એમએચ -2050 નંબરની અર્ટિગા કારના ચાલક સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application