BREAKING NEWS

અમદાવાદમાં તળાવમાં નાહવા પડેલા બે બાળકો ડૂબ્યાઃ રેસ્ક્યૂ ટીમને બંનેના મૃતદેહ હાથ લાગ્યા

  • July 22, 2026 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં વાંદરવટ તળાવમાં ગઈકાલે સાંજના સમયે બે સગીર બાળકો નાહવા માટે કૂદ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા. બાળકો મોડે સુધી ઘરે ન પહોંચતા અને તળાવ કિનારેથી કોઈ પત્તો ન મળતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા તુરંત જ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જોકે આજે સવારે બંને બાળકોના મૃતદેહો મળી આવતા બંનેના પરિવારો આઘાતમાં સરી પડ્યા હતા.

મૃતક બાળકોની ઓળખ અરમાન ઈસ્લામુદ્દીન (ઉંમર ૧૩ વર્ષ) અને મોહમ્મદ અલી યાદઅલી સૈયદ તરીકે થઈ છે. આ બંને બાળકો વટવા વિસ્તારમાં આવેલી જિયા મસ્જિદ નજીકના વિસ્તારમાં જ રહેતા હતા. પોલીસે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તળાવના ઊંડા પાણીમાં બાળકોની શોધખોળ કરવા માટે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બોટ અને ખાસ ડાઇવર્સની મદદથી આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અંધારા અને પાણીની ઊંડાઈના કારણે બચાવ કામગીરીમાં ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં ટીમોએ સતત શોધખોળ જારી રાખી હતી.

સતત કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનનો અંત આજે સવારે આવ્યો હતો, જ્યારે બચાવ ટુકડીને બંને બાળકોના મૃતદેહો પાણીમાંથી મળી આવ્યા હતા. સવારે આ દુઃખદ સમાચાર મળતાં જ ઘટનાસ્થળે હાજર પરિવારજનો ભાંગી પડ્યા હતા અને સમગ્ર વટવા વિસ્તારમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ મામલે વટવા પોલીસ મથકના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજથી જ પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું અને આજે સવારે બંને બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application