અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનની કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા બે ખતરનાક ગેંગસ્ટરોની ધરપકડ કરી છે. સાત કલાક સુધી ચાલેલા હાઈ-વોલ્ટેજ ઓપરેશન બાદ વાસણા–વેજલપુર રોડ પરથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાજસ્થાનના કોટાના અમન ઉર્ફે બચ્ચા (એહસાનઅલી સૈયદ) અને સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ)નો સમાવેશ થાય છે. આ બંને ખંડણી નેટવર્ક માટે ટાર્ગેટ શોધતા હતા.
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મોડીરાતથી આ ઓપરેશન શરૂ કર્યું હતું. બાતમીના આધારે પોલીસ સતત ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ટ્રેસિંગ અને ઇન્ફોર્મર્સની મદદથી બંને આરોપીઓ પર નજર રાખી રહી હતી. આરોપીઓ અમદાવાદમાં ખંડણીનું નેટવર્ક ઉભું કરવા માટે સ્થાનિક સંપર્કો શોધી રહ્યા હતા, તે પહેલાં જ પોલીસે તેમને ઘેરા બંદોબસ્ત સાથે ઝડપી લીધા હતા.
ધરપકડ દરમિયાન આરોપીઓને શંકા જતા તેઓ ક્રેટા કારમાં ફુલ સ્પીડે ભાગ્યા હતા. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે જીવના જોખમે ફિલ્મી ઢબે પીછો કરી આખરે રસ્તા પર જ બંનેને આંતરી લીધા હતા. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં પોલીસે રાહત અનુભવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ સામે ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ અને આર્મ્સ એક્ટ સહિતના 20થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેઓ રાજસ્થાનમાં આર્મ્સ એક્ટ હેઠળ વોન્ટેડ હતા અને લાંબા સમયથી પોલીસથી ફરાર હતા.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આઇ.એન. ઘાસૂરાએ જણાવ્યું હતું કે, અમન બચ્ચા ગેંગ અત્યંત ખતરનાક છે અને સોપારી કિલર તરીકે કામ કરે છે. તેઓ હુમલો કરતાં જરાય અચકાતા નથી. હાલ ઝડપાયેલા આરોપીઓ રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા છે અને બિશ્નોઈ ગેંગ સાથે તેમની તકરાર ચાલી રહી છે. ગુજરાત પોલીસે સમયસર કાર્યવાહી કરીને આંતરરાજ્ય ગુનેગારોના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને આગળની તપાસ માટે કોટા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે સાથે, રાજસ્થાન પોલીસના સંકલનથી આ ગેંગના અન્ય સાગરીતો સુધી પહોંચવા વધુ તપાસ કરવામાં આવશે.