રાજકોટ શહેર એસઓજીની ટીમે બેડીપરા ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે સાથે મૂળ વેરાવળના વતની અને હાલ રાજકોટમાં રહેતા બે શખસોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 53,310 ની કિંમતનું એમ.ડી. ડ્રગ્સ, મોબાઈલ અને કાર સહિત રૂ. 6.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને શખસોની પૂછતાછ કરતા અમદાવાદથી તેઓ માદક પદાર્થનો જથ્થો લાવ્યાની કબુલાત આપી હતી અને અહીં છૂટકમાં વેચાણ કરે તે પૂર્વે જ પોલીસે બંનેને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી.બસીયા દ્વારા નવરાત્રીના તહેવાર અનુસંધાને શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આર.કે. ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ ચૌહાણ અને કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલાને હકીકત મળી હતી કે, અગાઉ એનડીપીએસના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો મૌલિક જેઠવા તથા તેની સાથે અન્ય એક શખસ કારમાં બેડી ચોકડીથી ભગવતીપરા તરફના રસ્તે બાપાસીતારામ ટી સ્ટોલ પાસે આવવાના છે અને તેમના કબજામાં માદક પદાર્થનો જથ્થો છે જેથી આ હકીકતના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી.
દરમિયાન અહીં બાપા સીતારામ ટી સ્ટોલ પાસે કાર નંબર જીજે 5 જેક્યુ 4400 આવતા પોલીસે કાર કોર્ડન કરી કારમાં સવાર બની શખસોને નીચે ઉતારી તપાસ કરતા રૂપિયા 53,310 ની કિંમતનું 18.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ બંને શખસોની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ મૌલિક અશોકભાઈ જેઠવા (ઉ.વ. 29 રહે. નાના મવા મેઇન રોડ ગોલ્ડન પાર્ક આશિયાના બિલ્ડીંગ પહેલો માળ, મૂળ વેરાવળ) તથા ગૌરાંગ અશોકભાઈ પરડવા (ઉ.વ. 32 રહે. જીવરાજ પાર્ક એલીના એન્ટકલેવ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 301, મૂળ વેરાવળ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે બંને શખસો પાસેથી માદક પદાર્થનો જથ્થો મોબાઇલ ફોન, કાર અને રોકડ રૂપિયા સહિત રૂ. 6,66,940 નો મુદ્દામાલ કબજે કરી બંને શખસો વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ બંને શખસો મિત્રો હોય ગૌરાંગ ઇન્સ્યોરન્સનું કામ કરે છે જ્યારે મૌલિક સામે ચાલુ વર્ષે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. બંને મિત્રો અમદાવાદથી માદક પદાર્થનો જથ્થો લાવ્યા હતા અને અહીં પડીકી બનાવી છૂટકમાં વેચાણ કરવાના હતા પરંતુ તે પૂર્વે પોલીસે બંનેને ઝડપી લીધા હતા.
આ કામગીરીમાં એસોજીના પીઆઈ એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.ગોહિલ તથા એએસઆઈ અરૂણભાઇ બાંભણિયા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ સાથે રહ્યા હતા. માદક પદાર્થના પ્રાથમિક પરીક્ષણ માટે એફએસએલ અધિકારી કે.એમ. તાવીયાની મદદ લેવામાં આવી હતી.
મૌલિક માદક પદાર્થની હેરાફેરીના કેસમાં દોઢ માસ પૂર્વે જ જેલમુકત થયો હતો
મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલી બેલડી પૈકી મૌલિકને ચાલુ વર્ષે એપ્રીલ માસમાં એસઓજીની ટીમે પંચાયત ચોક પાસેથી ૪૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જે અંગે ગુનો નોંધાયા બાદ આરોપી જેલહવાલે થયો હતો. જે કેસમાં આરોપી દોઢેક મહિના પહેલા જ જેલમુકત થયો હતો. બાદમાં તેણે ફરી વેપલો શરૂ કરી દીધો હતો. વેરાવળના મિત્રને તેની કાર સાથે લવાવાનું કહી બંને અમદાવાદથી માદક પદાર્થ લાવ્યા હતા.