રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ૧૪ વર્ષની માસૂમ સગીરા પર આચરવામાં આવેલા હૃદયદ્રાવક સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) કેસમાં ભક્તિનગર પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ ચકચારી ગુનામાં સંડોવાયેલા વધુ બે શખ્સોને અમદાવાદ અને સુરતથી દબોચી લીધા છે. આ સાથે જ આ શરમજનક કાંડમાં પકડાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૭ પર પહોંચી ગઈ છે. ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે ૨૫ મે સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં એવો પણ સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે નરાધમો સગીરાને જે હોટલમાં લઈ ગયા હતા, ત્યાં એન્ટ્રી માટે નકલી આઈડી પ્રૂફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સગીર સહેલી જ બની ‘વિલન’, મોબાઈલ અને સીમકાર્ડ આપી જાળ બિછાવી
આ ગુનાની ચોંકાવનારી વિગત એવી છે કે ભોગ બનનાર માસૂમ બાળાને નરાધમોના ચુંગાલમાં ફસાવનાર બીજી કોઈ નહીં પરંતુ તેની જ એક સગીર વયની સહેલી હતી. આ સગીર સખીએ સૌપ્રથમ ભોગ બનનારને એક મોબાઈલ ફોન આપ્યો હતો, ત્યારબાદ ગેંગના જ એક શખ્સે તેણીને સીમકાર્ડ લાવી આપ્યું હતું. આ પછી આ કપટી સહેલીએ સગીરાનો પરિચય અલગ-અલગ યુવાનો સાથે કરાવ્યો હતો. ફ્રેન્ડશિપના બહાને પરિચય કેળવ્યા બાદ અલગ-અલગ શખ્સો આ સગીરાને અવાવરું ઘર અને હોટેલમાં લઈ ગયા હતા અને તેના પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, ત્રણ શખ્સોએ ચાલુ કારમાં પણ સગીરા સાથે બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
ટ્રાફિક વોર્ડન અને નામચીન લૂંટારુ સહિત ૮ સામે ગુનો
સગીરા પરના અત્યાચારની આ ઘટના સામે આવ્યા બાદ ભક્તિનગર પોલીસે તુરંત એક્શન લઈને નકલી પોલીસ બનીને લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા પોપટપરાના નામચીન ગુનેગાર મિહીર કુગશીયા અને ટ્રાફિક વોર્ડન ધવલ રાઠોડ સહિત કુલ ૮ શખ્સો સામે પોક્સો (POCSO Act), ગેંગરેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
અમદાવાદ અને સુરતથી ઝડપાયા વધુ બે આરોપીઓ
પોલીસે અગાઉ આ કેસમાં મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ. ૨૨), ધવલ રાજેશભાઈ રાઠોડ (ઉ.વ. ૨૪), સાહિલ ઉર્ફે ઝેરી હનીફભાઈ ઝરા (ઉ.વ. ૨૪) અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરો મળી કુલ પાંચને પકડી પાડ્યા હતા. ત્યારબાદ હાથ ધરેલા સઘન ઓપરેશનમાં પોલીસે વધુ બે આરોપીઓ અબ્દુલરજાક જુમાભાઈ ઠેબા (ઉ.વ. ૨૨) અને સાહિલ ઉર્ફે ડેવીલ હમીરભાઈ નારેજા (ઉ.વ. ૨૧)ને અનુક્રમે અમદાવાદ અને સુરતથી ઝડપી લીધા છે. પકડાયેલા સાહિલ ઉર્ફે ડેવિલના ગુનાહિત ઇતિહાસની તપાસ કરતા સામે આવ્યું છે કે તેની વિરુદ્ધ અગાઉ પણ ચોરી સહિતના ૭ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.