BREAKING NEWS

ભાવનગરમાં કાળમુખો લઠ્ઠાકાંડ: ઝેરી દારૂ વધુ બે જિંદગી ગળી ગયો; મૃત્યુઆંક વધીને 13 થયો, બે માસૂમ બાળકોએ પિતા ગુમાવ્યા

  • August 23, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરમાં ચકચાર મચાવનારા લઠ્ઠાકાંડમાં આજે 23 ઓગસ્ટે વધુ બે પીડિતોએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ બે તાજા મોત સાથે જ આ ઝેરી દારૂના કાંડમાં કુલ મૃત્યુઆંક વધીને 13 પર પહોંચી ગયો છે. સર ટી. હોસ્પિટલમાં આઈસીયુ (ICU) વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા મૂળ મહીસાગરના યુવક મુકેશ ડામોરનું આખરે મોત નિપજ્યું હતું. આ ઉપરાંત, ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના સાગવાડીમાં રહેતા ભાર્ગવભાઈ ઉપાધ્યાય નામના અન્ય એક વ્યક્તિએ પણ સારવાર દરમિયાન જ પોતાની જિંદગી ગુમાવી દીધી છે.


મૃતક મુકેશ ડામોર અંગે મળતી વિગતો મુજબ, 35 વર્ષીય મુકેશ મૂળ સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની હતા અને છેલ્લા કેટલાક સમયથી ભાવનગરની એક ખાનગી કંપનીમાં હિટાચી મશીન ઓપરેટર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત એક છ મહિનાનો માસૂમ પુત્ર અને બે વર્ષની નાની પુત્રી છે. 18 ઓગસ્ટના રોજ મુકેશે તેના એક મિત્ર સાથે દારૂનું સેવન કર્યું હતું, જે બાદ તેની તબિયત અચાનક લથડતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


મૃતકના કાકા લક્ષ્મણભાઈ ડામોરે ભારે હૈયે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, 18 ઓગસ્ટે તેમના ભત્રીજાની તબિયત અત્યંત નાજુક હોવાના સમાચાર મળ્યા હતા. મુકેશના મિત્રોએ વીડિયો કોલ કરીને બતાવ્યું હતું કે તે હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર છે. આ ખબર મળતાં જ પરિવારજનો મહીસાગરથી ખાનગી વાહન બાંધીને તાત્કાલિક ભાવનગર દોડી આવ્યા હતા. દર્દીની ગંભીર હાલતને જોતાં તેને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ અને અંતે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તમામ પ્રયાસો છતાં તબીબો તેને બચાવી શક્યા નહોતા.


આ કાળમુખી ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિલાપ કરતા કાકા લક્ષ્મણભાઈએ સરકાર અને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, સરકારે આ લઠ્ઠાકાંડને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર છે. રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં આ રીતે ઝેરી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, તે દર્શાવે છે કે નીચલા સ્તરના અધિકારીઓ સરકારની સૂચનાઓ અને કાયદાનું પાલન નથી કરી રહ્યા. આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી પીડિત પરિવારજનો માંગ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application