વડોદરા નજીકથી પસાર થતી કેનાલો સતત જોખમી બની રહી છે. અહીં ડૂબવાના અને મૃતદેહ મળી આવવાના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. ભીમપુરા કેનાલમાં બે વિદ્યાર્થીઓ નહાવા માટે પડ્યા હતા. જોકે ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી જતા બંનેના મોત નીપજ્યા હતા.
પ્રાથમિક વિગતો મુજબ, સેવાસી નજીક આવેલી ઝેવિયર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના ચાર વિદ્યાર્થીઓ ભીમપુરા વિસ્તાર તરફ ગયા હતા. તેમાંથી કિશનસિંહ જાદવ (ઉં.વ. ૧૯, રહે. માંજલપુર, દરબાર ચોકડી પાસે, અભિષેક ફ્લેટ પાછળ) અને તેનો મિત્ર પ્રિતેશ ચૌહાણ (ઉં.વ. ૧૭, રહે. હટીપુરા ગામ, આંકલાવ પાસે) કેનાલમાં નાહવા માટે ઉતર્યા હતા.
આ વિદ્યાર્થીઓ સાથે આવેલા અન્ય બે વિદ્યાર્થીઓ લઘુશંકા માટે બીજી બાજુ ગયા હતા. આ દરમિયાન બંને વિદ્યાર્થીઓ કેનાલના ધસમસતા પ્રવાહમાં અચાનક તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. થોડીવાર પછી જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પરત આવ્યા અને મિત્રો દેખાયા નહીં ત્યારે તેઓએ આસપાસ તપાસ કરી હતી અને તાત્કાલિક અન્ય લોકોને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. આ સાથે જ ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. ફાયર ટીમ દ્વારા કેનાલમાં સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને લગભગ ત્રણ કલાકની જહેમત બાદ બંને વિદ્યાર્થીઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.