બ્રિટનમાં આવેલા અમેરિકાના 2 મુખ્ય સૈન્ય મથકો, RAF મિલ્ડેનહોલ અને RAF લેકેનહીથ પર અચાનક સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર માહિતીના આધારે યુએસ આર્મીએ એલર્ટનું સ્તર વધારીને બીજી સૌથી ઊંચી સુરક્ષા શ્રેણી એટલે કે 'ફોર્સ પ્રોટેક્શન કન્ડીશન ચાર્લી' કરી દીધું છે. સામાન્ય રીતે આ સુરક્ષા સ્તર ત્યારે લાગુ કરવામાં આવે છે જ્યારે આતંકવાદી ગતિવિધિઓ અથવા કોઈ મોટા સંભવિત ખતરાની આશંકા હોય.
અચાનક વિમાનોને ખસેડવામાં આવ્યા
સુરક્ષા એલર્ટ જાહેર થયાના તુરંત બાદ, RAF મિલ્ડેનહોલ પરથી અનેક યુએસ મિલિટરી વિમાનોને અચાનક બીજા બેઝ પર મોકલી દેવામાં આવ્યા હતા. ફ્લાઇટ-ટ્રેકિંગ રિપોર્ટ્સ અને સ્કાઈ ન્યૂઝના જણાવ્યા અનુસાર, 9 KC-135 સ્ટ્રેટોટેન્કર વિમાનોને જર્મની, સ્પેન અને સ્કોટલેન્ડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ સિવાય 3 CV-22B ઓસ્પ્રે સ્પેશિયલ ઓપરેશન વિમાનોને મિલ્ડેનહોલથી હટાવીને RAF લેકેનહીથ મોકલવામાં આવ્યા છે.
ઈરાની ગુપ્તચર પ્રવૃત્તિઓની શંકા
વિદેશોમાં આવેલી યુએસ સૈન્ય છાવણીઓ પર ઈરાન સાથે જોડાયેલા ખતરાઓને લઈને ચિંતાઓ સતત વધી રહી છે. અગાઉ સપ્ટેમ્બર 2026 માં, બ્રિટનના RAF ફેરફોર્ડ એરબેઝ નજીક 3 શંકાસ્પદ વાહનો જોવા મળ્યા બાદ પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 1 શંકાસ્પદ પર વિદેશી ગુપ્તચર એજન્સી (બ્રિટિશ પોલીસના જણાવ્યા મુજબ ઈરાન) ને મદદ કરવાનો આરોપ લાગ્યો હતો.
આ બેઝનું વ્યૂહાત્મક મહત્વ
RAF મિલ્ડેનહોલ: અહીં તૈનાત વિમાનો હવામાં જ ઇંધણ ભરવા અને ગુપ્ત માહિતી એકત્ર કરવાનું કામ કરે છે, જે અમેરિકી મિશન્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
RAF લેકેનહીથ: અહીં F-15E અને F-35A સ્ટીલ્થ ફાઇટર વિમાનો તૈનાત છે. તેને યુરોપમાં અમેરિકાનું સૌથી મહત્વપૂર્ણ ફાઇટર જેટ કેન્દ્ર માનવામાં આવે છે.
નિરીક્ષણની નવી ચિંતાઓ અને સ્થાનિકોને અપીલ
તાજેતરના સુરક્ષા એલર્ટના કારણે સૈન્ય મથકોની આસપાસ ડ્રોનના વધતા ખતરાની બાબત ફરી સામે આવી છે. 9 નવેમ્બરના રોજ સુરક્ષા ઉપાયો કડક કર્યા બાદ RAF લેકેનહીથ વહીવટીતંત્રે સ્થાનિક નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સૈન્ય છાવણીઓની આસપાસ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ડ્રોન જુએ તો તાત્કાલિક સ્થાનિક અધિકારીઓને જાણ કરે.