BREAKING NEWS

અમેરિકાએ ઈરાનના પાંચ ઓઈલ ટેન્કરો ઉડાવ્યા તો ઈરાને અમેરિકાના આઠ ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યા

  • September 09, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યો છે. અમેરિકા દ્વારા ઈરાનના 5 ઓઈલ ટેન્કરો તબાહ કરાયા બાદ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ વળતો પ્રહાર કરતાં એક જ દિવસમાં 10 જહાજો પર હુમલો કરવાનો દાવો કર્યો છે. આ કાર્યવાહી બાદ હોર્મુઝમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ઈરાને જોર્ડનમાં યુએસ લક્ષ્યો પર ઠેકાણા પર મિસાઈલ પણ છોડી હતી.

ઈરાનની આઈઆરજીસીના જણાવ્યા મુજબ, તેના દળોએ હોર્મુઝના પ્રતિબંધિત અને અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા 10 જહાજોને નિશાન બનાવ્યા છે. આ જહાજોમાં 2 અમેરિકન યુદ્ધજહાજ અને 8 ઓઇલ ટેન્કરોનો સમાવેશ થાય છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકન નૌસેનાના વિધ્વંસક જહાજો ડીડીજી-119 અને ડીડીજી-53 પર સફળ મિસાઇલ હુમલા કર્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

ઈરાની સરકારી ટીવીમાં આવેલા નિવેદન અનુસાર, આઈઆરજીસી ની નેવીએ કુવૈત, જોર્ડન અને બહરીનના બંદરો પર હાજર તમામ ઓઈલ ટેન્કરોના ક્રૂને તાત્કાલિક જહાજ ખાલી કરવા કહ્યું છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે બંદરો પર અમેરિકન સેનાની હાજરી છે અને જે અમેરિકન કાર્યવાહીમાં સહયોગ આપી રહ્યા છે, ત્યાં ઊભેલા તમામ ટેન્કરોને નિશાન બનાવવામાં આવશે.


અગાઉ અમેરિકાએ ઈરાનના ત્રણ ઓઈલ ટેન્કરો તબાહ કર્યા હતા

આ અગાઉ, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક ઈરાન સાથે જોડાયેલા 5 ક્રૂડ ઓઇલ ટેન્કરોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા હતા. અમેરિકાનો આરોપ હતો કે ઈરાને છેલ્લા બે દિવસમાં તેના એક સૈન્ય જહાજ પર બે વાર બેલેસ્ટિક મિસાઇલો દાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના 3 ઓઈલ ટેન્કરો તબાહ કર્યા હતા.


ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો: બેરલ 100 ડોલરની નજીક

પરિસ્થિતિ વણસતા તેલના ભાવ 100 ડોલરની નજીક પહોંચી ગયા, સતત ચોથા સત્રમાં 1 ટકાથી વધુ વધ્યા, કારણ કે યુએસ-ઈરાન વચ્ચે તણાવ ફરી શરૂ થયો અને ક્રૂડ માર્કેટમાં ખળભળાટ મચી ગયો. બ્રેન્ટ ક્રૂડ 1.47 ટકા વધીને 99.36 ડોલર પ્રતિ બેરલ થયું, જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 1.54 ટકા વધીને 94.46 ડોલર થયું.


ઈરાન અબજો ડોલરના ગુપ્ત તેલ નેટવર્કના ભાગરૂપે તેલ ટેન્કરોનો ઉપયોગ કરે છે: યુએસ

સેન્ટકોમનો આરોપ છે કે ઈરાન અબજો ડોલરના ગુપ્ત તેલ નેટવર્કના ભાગ રૂપે આ તેલ ટેન્કરોનો ઉપયોગ કરે છે. અમેરિકાનો દાવો છે કે આ નેટવર્કમાંથી મળતી આવક આઈઆરજીસી અને તેના પ્રાદેશિક સાથીઓની પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડે છે. સેન્ટકોમે એમ પણ કહ્યું કે ઈરાન પાસે આ ટેન્કરોને સુરક્ષિત રાખવા માટે કોઈ સાધન નથી.


ઈરાને અમેરિકાની સ્માર્ટ સબમરીન કબજે કરી, આઈઆરજીસીનો દાવો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ માનવરહિત સબમરીન કબજે કરવાનો દાવો કર્યો હતો. પશ્ચિમ એશિયામાં મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તેહરાને જળમાર્ગ પર નાકાબંધી લાદી દીધી છે. રાજ્ય ટીવી પર જાહેર કરાયેલા એક નિવેદનમાં, રિવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું હતું કે, આઈઆરજીસી નૌકાદળે, એક જટિલ ગુપ્તચર અને ઓપરેશનલ ઓપરેશનમાં, હોર્મુઝ સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર યુએસ આતંકવાદી સેનાની સૌથી આધુનિક, માનવરહિત અને બુદ્ધિશાળી સબમરીનમાંથી એકને કબજે કરી હતી. અમેરિકાએ હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application