દ્વારકા જિલ્લાના ગામડે ગામડે આજથી પહોંચશે આમ આદમી પાર્ટીની ટીમ
ધીમે ધીમે ઉગ્ર બની રહી છે લડત: ૧૩ દિવસથી ચાલતા સત્યાગ્રહને મચક નહીં મળતા હવે ગ્રામ્ય પ્રજાને પણ સાથે જોડવાનો આમદ આદમી પાર્ટીનો વ્યૂહ
દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે છેલ્લા ૧૩ દિવસથી ખંભાળીયામાં આમ આદમી પાર્ટી સત્યાગ્રહ ચલાવી રહી છે, આપ ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય હેમત ખવા, ગોપાલ ઇટાલીયા જેવા નેતાઓ હાજરી આપી ચૂક્યા છે, સભાઓ ગજવી ચૂક્યા છે, ત્યારે આજથી લડત ઉગ્ર બને એવા એંધાણ મળી રહ્યા છે, કારણ કે હવે સત્યાગ્રહના વર્તુળને વધારવા માટે આપ ની ટીમે ગામડે ગામડે જવાનું શરૂ કર્યું છે અને લાગે છે કે, દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની આ લડત નવો રંગ પકડી રહી છે. જો ગ્રામ્ય પ્રજા પણ બાંયો ચડાવીને સામે આવી જશે તો તંત્ર અને ગુજરાત સરકારને વગર વરસાદે પગે પાણી ઉતરી શકે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ચાલી રહેલા દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહના પ્રથમ તબક્કા બાદ આજથી પાર્ટ-૨ની શરૂઆત કરવામાં આવી છે. આજથી જિલ્લાના તમામ ગામડાઓમાં દુષ્કાળગ્રસ્ત ખેડૂતની અરજી ફોર્મ ભરવાનું એક સઘન લોકઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીની ટીમ દરેક ગામડામાં જઇ ખેડૂતોની મુલાકાત લઇ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ સમગ્ર જનઆંદોલન અને અભિયાન ઈસુદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોના હક અને અધિકાર માટે દરેક ગામડેથી એક મજબૂત અવાજ ઊભો કરી સરકાર સુધી પહોંચાડવાનો આ અભિયાનનો મુખ્ય સંકલ્પ છે.
આ ફોર્મ અભિયાન મારફતે સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવશે. જેમાં વરસાદના અભાવે પ્રભાવિત તમામ વિસ્તારોને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોને થયેલા વાવણી અને ખેતી ખર્ચનું યોગ્ય વળતર ચૂકવવા તેમજ પશુધન માટે પૂરતો અને નિયમિત ઘાસચારો પૂરો પાડવાની માંગ સામેલ છે.
આ ઉપરાંત ગામડાઓમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, સિંચાઈના વૈકલ્પિક સ્ત્રોતો ઊભા કરવા, ખેતમજૂરો અને ખેડૂતો માટે સ્થાનિક રોજગારીનું સર્જન કરવું, પશુચિકિત્સા તથા દવાઓની સુવિધા સુનિશ્ચિત કરવી અને કુદરતી આપત્તિ સહાયનો લાભ કોઈપણ વિલંબ વિના પારદર્શક રીતે આપવાની માંગ કરાઈ છે. સાથોસાથ આગામી ખરીફ સીઝન સુધી ગ્રામીણ પરિવારોને જીવનનિર્વાહ માટે વિશેષ રાહત સહાય આપવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
આ લડાઈને સમગ્ર ખેડૂત સમાજના અસ્તિત્વ અને અધિકારની લડાઈ ગણાવતા, જિલ્લાના તમામ ખેડૂતોને આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને પોતાનું અરજી ફોર્મ અચૂક ભરવા અને વધુમાં વધુ લોકોને સાથે જોડવા આહવાન કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય હેમત ખવા, નેતા ગોપાલ ઇટાલીયા સહિતના આગેવાનો દ્વારા દ્વારકા જિલ્લાની દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સત્યાગ્રહ આજથી ૧ર દિવસ પહેલા શરૂ કરાયો હતો, આજે સત્યાગ્રહનો બીજો તબક્કો શરૂ કરાયો છે અને આંદોલન ઉગ્ર બન્યું છે. જિલ્લાની દુષ્કાળગ્રસ્ત અને અન્ય માંગ સાથે સરકાર સમક્ષ વિરોધ નોંધી જિલ્લાના તમામ ગામડાઓમાં ખેડૂતોની મુલાકાત લઇ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે.