BREAKING NEWS

યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: એક જ રાતમાં 1,336 ડ્રોન છોડ્યા, કર્ચ બ્રિજ અને ઓઈલ ડેપોને નુકસાન

  • November 16, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અંદાજે 5 વર્ષથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક ડ્રોન હુમલો કર્યો છે. રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ યુક્રેની સેના દ્વારા રશિયાના 16 અલગ-અલગ વિસ્તારોને નિશાન બનાવીને એકસાથે 1,336 હુમલાખોર ડ્રોન છોડવામાં આવ્યા હતા. આ વ્યાપક હુમલામાં રશિયાને ક્રિમિયા દ્વીપકલ્પ સાથે જોડતા અત્યંત મહત્વપૂર્ણ 'કર્ચ બ્રિજ' (Kerch Bridge) અને રશિયાના એક મોટા ઓઈલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા છે.


સમુદ્ર પર બનેલા 19 કિલોમીટર લાંબા કર્ચ બ્રિજ પર યુક્રેને ફરી એકવાર ડ્રોન વડે હુમલો કર્યો છે. વર્ષ 2014 માં ક્રિમિયા પર કબજો કર્યા બાદ રશિયાએ આ પુલનું નિર્માણ કરાવ્યું હતું, જે રશિયા અને ક્રિમિયાને સડક તથા રેલમાર્ગથી જોડતું એકમાત્ર સાધન છે. અગાઉ વર્ષ 2022 માં થયેલા હુમલામાં આ બ્રિજને ભારે નુકસાન થયું હતું. ક્રિમિયાના ગવર્નર સર્ગેઈ અક્સ્યોનોવે જણાવ્યું હતું કે તાજા હુમલા બાદ સુરક્ષાના કારણોસર બ્રિજ પર વાહનવ્યવહાર થોડા કલાકો માટે રોકી દેવામાં આવ્યો હતો, પરંતુ નુકસાનની સમીક્ષા કર્યા બાદ તેને ફરીથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ, યુક્રેને દાવો કર્યો છે કે તેમના હુમલામાં રશિયાના રોસ્તોવ વિસ્તારના અઝોવ શહેરમાં આવેલા વિશાળ ઓઈલ ડેપોને ભારે નુકસાન થયું છે અને ત્યાં ભીષણ આગ લાગી છે, જ્યાંથી રશિયન સેનાને ઈંધણનો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો.


​​​​​​​આ દરમિયાન રશિયાના વળતા હુમલાઓના કારણે યુક્રેનના વધુ 6 વિસ્તારોમાં વીજળીનું ગંભીર સંકટ સર્જાયું છે. યુક્રેનના નાયબ ઉર્જા મંત્રી આર્ટેમ નેક્રાસોવે માહિતી આપી હતી કે રશિયાએ છેલ્લા 1 અઠવાડિયામાં યુક્રેનના વીજળી, તેલ અને ગેસના ઠેકાણાઓ પર કુલ 116 હુમલા કર્યા છે, જેનાથી 161 ઉર્જા પ્લાન્ટ્સ અને સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. યુક્રેનના ઉર્જા માળખા પર થઈ રહેલા આ સતત હુમલાઓને પગલે અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન, કેનેડા અને જાપાનની પરમાણુ સુરક્ષા સંસ્થાઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો વીજ પુરવઠો ખોરવાશે તો ઝાપોરિઝિયા સહિત યુક્રેનના તમામ 4 પરમાણુ વીજમથકોના રિએક્ટરને ઠંડા રાખવાની પ્રક્રિયા અટકી શકે છે, જે એક મોટી પરમાણુ દુર્ઘટનાને નોતરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application