દિવાળી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદથી રાજ્યભરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. કારણે કે મગફળી, કપાસ સહિતના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આજે ફરી ખેડૂતો માટે માવઠાના માઠા સમાચાર સામે આવ્યા છે. આજે વહેલી સવારે પોરબંદર અને દ્વારકા પંથકમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થયા છે. ભર શિયાળે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. આથી ખેડૂતોના જીવ અદ્ધર થયા છે.
હવામાન વિભાગે વર્ષ 2025ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે માવઠાના વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતમાં બે દિવસ તાપમાન ઘટવાની આગાહી પણ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના પોરબંદર સહિત ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકાના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
2-3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે
વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવ આવવાની અને તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જ અને વાતાવરણમાં થતા ફેરફારોને કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠાંના વરસાદમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.