નવાનાગના અને વિભાપર ગામના લગભગ ૧૨ હજાર લોકો છેલ્લા કેટલાક સમયથી પશુના મૃતદેહની દુર્ગંધથી પીડાઇ રહ્યા છે, જામનગરમાંથી મળતા પશુઓના મૃતદેહનો આડેધડ નિકાલ કરવામાં આવે છે, છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી આ સમસ્યા છે, લોકો દુર્ગંધથી ત્રાસી ગયા છે અને હવે આ પ્રશ્ર્ને યોગ્ય નહીં કરવામાં આવે તો અમે લોકો કમિશ્નર કાર્યાલયમાં રહેવા આવી જશું તેવી ચિમકી પણ લોકોએ ઉચ્ચારી છે, બીજી તરફ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ સ્વીકાર્યુ છે કે, વૈજ્ઞાનિક ઢબે પશુઓના મૃતદેહોના નિકાલ માટે ગેસ આધારીત ભઠ્ઠી ચાલું કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
નવાનાગનાના રહીશો કહે છે કે, સોસાયટીથી માત્ર ૫૦ મીટરના અંતરે દરરોજ ૨૦ થી ૨૫ પશુઓના મૃતદેહ નાખવામાં આવે છે, પરીણામે ભયંકર ગંદકી અને અસહ્ય દુર્ગંધને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, માત્ર ૧૫૦૦ થી ૨૦૦૦ ચો.મી. જગ્યામાં આટલા પશુના મૃતદેહ નાખવામાં આવે છે, જુનાનાગના, નવાનાગના અને વિભાપર એમ ત્રણ ગામોના ૧૨ હજારથી વધુ લોકોને જીવવું મુશ્કેલ બની ગયું છે, શ્ર્વાસ લે તો પણ દુર્ગંધ આવે છે.

વહિવટી તંત્ર દ્વારા વૈજ્ઞાનિક પ્રક્રિયાના બણગા ફુંકવામાં આવે છે, સામાન્ય ગણીત અને વિજ્ઞાન પણ સમજી શકાય કે, ૧૫૦૦ થી ૨૦૦૦ ચો.મી. મર્યાદાની જગ્યામાં પશુઓના મૃતદેહનો નિકાલ કરવો અસહ્ય છે, વાસ્તવીકતા એવી છે કે, મરેલા પશુના માસ અને હાડકા ખુલ્લેઆમ દેખાય છે, જનતાના આરોગ્ય સાથે આ ક્રુર મજાક છે, માંસ અને હાડકા જોઇને લોકોને પણ ઉબકા આવે છે, નરક જેવો માહોલ જોવા મળ્યો છે. જો અધિકારી એક દિવસ અમારી સોસાયટીમાં આવીને ઓફીસ ચલાવી જુએ તો અમે અમારી ફરિયાદ પાછી ખેંચી લેશું, એક મહીનાની અંદર રહેણાંક વિસ્તાર અને વિસ્તાર પાસે મૃત પશુઓને નાખવાનું કાયમી ધોરણે બંધ કરી દો નહીંતર મ્યુ.કમિશ્નર કચેરી ખાતે અમે લોકો કાયમી વસવાટ કરવા માટે આવી જશું તેવી ચિમકી પણ આપી છે.
બીજી તરફ નવાનાગનાના લોકો કહે છે કે, અમારા ગામમાં ૩ વર્ષથી રહી શકાય તેવું નથી, જમવા બેસીએ તો પણ દુર્ગંધ આવે છે અને આરોગ્યના પ્રશ્ર્નો પણ ઉભા થાય છે, વિભાપરના સરપંચ જણાવે છે કે, મૃત પશુઓના દુર્ગંધ અંગેનો પ્રશ્ર્ન વહેલામાં વહેલી તકે ઉકેલવો જોઇએ. નવાનાગનાના લોકો કહે છે કે, અમારા ગામમાં દુર્ગંધ ૩ વર્ષથી આવે છે, વિભાપરના લોકોને પણ તકલીફ પડે છે, જેસીબીથી એક જ જગ્યાએ ખાડો ખોદીને પશુઓના મૃતદેહને નાખવામાં આવે છે, આ પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો અમો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરીશું, ગ્રામ્ય લોકો પણ કહે છે કે, મૃતદેહના નિકાલ થાય છે ત્યાં શ્ર્વાનો ખાવા માટે ખોદે છે તેથી વધુ વાસ આવે છે.

છેલ્લા કેટલાય સમયથી નવાનાગના, વિભાપર, જુનાનાગના સહિતના લોકો ખુબ જ કંટાળી ગયા છે, મૃત પશુઓની દુર્ગંધથી વાજ આવી ગયા છે, જો આ પ્રશ્ર્ને ગંભીરતા નહીં દાખવાય તો લોકો આંદોલન પણ કરશે તેમ જાણવા મળે છે, કોર્પોરેશનના સતાધીશોએ ગંભીરતાપૂર્વક આ મામલો હાથમાં લેવો જોઇએ.