BREAKING NEWS

આજી-ન્યારીમાં 10 સપ્ટેમ્બર સુધીનું પાણી; નર્મદા નીર ઠાલવવા મનપાની સરકારમાં ધા

  • August 07, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી અને ન્યારી ડેમમાં આજની સ્થિતિએ ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ હોય હવે તાત્કાલિક અસરથી બન્ને ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવા મહાનગરપાલિકા દ્વારા માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજકોટ શહેરમાં સંતોષકારક વરસાદ ન પડવાના કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની પૂરતી આવક થવા પામી નથી. જેના કારણે ભર ચોમાસે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જો હવે સંતોષકારક વરસાદ નહીં વરસે અને ડેમોમાં પાણીની આવક નહીં થાય તો આગામી દિવસોમાં જળસંકટ સર્જાય તેમ હોય તાત્કાલિક અસરથી આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનીર ઠાલવવા મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ધા નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પણે નર્મદાના નીર પર આધારીત છે. ચોમાસાની સિઝનમાં સતત એક મહિનો જળાશયો ઓવરફ્લો થાય તો પણ ત્રણ મહિના પછી રાજ્ય સરકાર પાસે નર્મદાના નીર માગવા પડે છે તે વાસ્તવિકતા છે. જૂન માસમાં વરસાદ ખેંચાવાના કારણે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારી ડેમમાં ૪૦૦-૪૦૦ એમસીએફટી પાણી ઠાલવવાની માગણી કરવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા ત્વરીત સ્વીકાર કરી બન્ને ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આજીમાં ૩૦૦ એમસીએફટી અને ન્યારી ૨૭૫ એમસીએફટી પાણી ઠલવાયા બાદ વરસાદ પડવાના કારણે સૌની યોજનાનું નર્મદાનીર બંધ કરી દેવામાં આવ્યું હતું.

૨૯ ફૂટે ઓવરફ્લો થતાં આજી-૧ ડેમની સપાટી હાલ ૨૨.૨૩ ફૂટ છે. ડેમમાં ૪૬૪.૨૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ આગામી ૧૦ સપ્ટેમ્બર સુધી આજી ડેમ સાથ આપી શકે તેમ છે. ત્યાર બાદ ડેમમાંથી પાણી ઉપાડવું મુશ્કેલ બની જશે.

જ્યારે ૨૫.૧૦ ફૂટની ઉંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમનું લેવલ હાલ ૧૬.૨૦ ફૂટ છે. ડેમમાં ૪૭૩.૦૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ ૧૦ સપ્ટેમ્બર સુધીનો જળ જથ્થો ઉપલબ્ધ છે.

અગાઉ બન્ને ડેમમાં માંગવામાં આવેલા ૪૦૦-૪૦૦ એમસીએફટી પાણી પૈકી આજી ડેમમાં ૧૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૧૨૫ એમસીએફટી પાણી ઠાલવવાનું બાકી છે. જે તાત્કાલીક અસરથી એક પણ દિવસની રાહ જોયા વિના આપવા માગણી કરવામાં આવી છે. આખા વર્ષના પાણી વિતરણના આયોજન અંગે પણ આગામી દિવસોમાં સરકારમાં પત્ર લખવામાં આવશે અને નર્મદાના નીરની માગણી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

સામાન્ય રીતે ચોમાસામાં નર્મદાના નીર જળાશયોમાં ઠાલવવામાં આવતા નથી. પરંતુ આ વર્ષે ચોમાસાની સિઝનમાં આજ સુધી હજુ સંતોષકારક વરસાદ પડ્યો નથી. અને જળાશયોમાં જેટલુ પાણી આવવું જોઈએ તેટલુ આવ્યું નથી. પરિણામે એવી સ્થિતિ નિર્માણ થઈ છે કે ભરચોમાસે સરકાર પાસે નર્મદાના નીર આપવા ધા નાખવા ફરજ પડી છે. જો સરકાર નર્મદાનીર આપવાનું મોડુ કરશે તો બની શકે કે ભરચોમાસે શહેરમાં જળસંકટ આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News