રાજકોટ હીરાસર એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે પણ માત્ર કાગળ પર જ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોને જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ તે પણ મળવામાં મીંડુ છે. બસપોર્ટમાં સુવિધા મળે તેટલી પણ સુવિધાઓ મુસાફરોને ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે હીરાસર એરપોર્ટની નવી જ પોલ ખુલી છે. છેલ્લા બે દિવસથી કાર્ગો સેક્ટરમાં પાણી લીકેજ થતા અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે કામીગીરી ઠપ્પ થતી બે લાખ રૂપિયાનો ચાર ટન સામાન લોડ થઈ શક્યો નથી.
અંદાજે રૂ. ૨,૬૫૪ કરોડના જંગી ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની નબળી જાળવણી અને પાયાની ખામીઓની ભરમાર સામે આવી રહી છે. એરપોર્ટના મહત્વના ગણાતા કાર્ગો સેક્ટરમાં છેલ્લા બે દિવસથી પાણીના ગંભીર લીકેજની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે રોજિંદી કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. પાઇપલાઇનમાંથી અવિરતપણે પાણી લીક થવાને કારણે આખો કાર્ગો ફ્લોર પાણીથી જળબંબાકાર થઈ ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ એરપોર્ટ પર આવી પ્રાથમિક સ્તરની સમસ્યાઓ ઊભી થવી તે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે.
સમસ્યાની ગંભીરતા એટલી હદે વધી ગઈ છે કે લીકેજનું પાણી સીધું જ ઇલેક્ટ્રિક બોર્ડ અને વાયરિંગ સુધી પહોંચી ગયું છે, જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત કે શોર્ટ સર્કિટ થવાની ભીતિ સેવાઈ રહી છે. કર્મચારીઓની સુરક્ષા અને જાનમાલના જોખમને ધ્યાનમાં રાખીને તત્કાલ અસરથી કાર્ગો લોડિંગ અને અન્ય મહત્વની કામગીરી અટકાવી દેવામાં આવી છે. કામગીરી બંધ રહેવાને કારણે ઈન્ડિગો એરલાઇન્સનો અંદાજે બે લાખ રૂપિયાની કિંમતનો ચાર ટન જેટલો મહત્વનો માલ સમયસર લોડ થઈ શક્યો નથી, જેને કારણે વેપારીઓ અને એરલાઇન્સ કંપનીને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
આ ગંભીર બેદરકારી સામે આવતા એરપોર્ટ ઓથોરિટીની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને સુરક્ષિત વાતાવરણમાં ફરીથી કામગીરી શરૂ થાય તે માટે સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. જોકે, બે દિવસ વીતી જવા છતાં લીકેજની સમસ્યા યથાવત્ રહેતા એરપોર્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓની સલામતી અને કાર્ગો સેવાઓની વિશ્વસનીયતા સામે ગંભીર ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે માત્ર મોટા પ્રોજેક્ટ્સ અને મોટી રકમ ખર્ચવાથી જ નહીં, પરંતુ તેની યોગ્ય જાળવણી કરવાથી જ ખરી ગુણવત્તા જળવાઈ રહે છે.
એરપોર્ટની કથળેલી સ્થિતિ અંગે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્થાનિક બસ સ્ટેશનમાં જે પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અને બેસવા-ઉઠવાની વ્યવસ્થા મળે છે, તેવી સામાન્ય સુવિધા પણ રાજકોટના આ કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટ પર મળતી નથી. પીવાના પાણીથી માંડીને બેસવાની ક્ષમતા અને ડિજિટલ સુવિધાઓના મામલે એરપોર્ટ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે.
એક વર્ષ પહેલા રાજકોટના હીરાસર એરપોર્ટ પર નવા ટર્મિનલમાં અરાઈવલ કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણી પડવા લાગ્યું હતું. અગાઉ પણ આ જ પ્રકારે કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણી ટપકતાં રિપેરિંગ કરાયું હતું. ટર્મિનલના પેસેન્જર ડ્રોપ અને પિકઅપ એરિયામાં જર્મન ડોમ સાથેની કેનોપી તૂટી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે નજીકની 15 ફૂટની દીવાલ અગાઉ વરસાદને પગલે ધરાશાયી થઇ હતી. હંગામી ટર્મિનલના પ્રારંભના પહેલાં જ દિવસે શૌચાલયમાં પાણી ખૂટી ગયું હોવાથી બોટલ લઈને શૌચાલયમાં જવું પડતું હતું. મોબાઈલ નેટવર્ક અને વાઈ-ફાઈની સુવિધા નહીં હોવા મુદ્દે યાત્રિકો અનેકવાર ફરિયાદો કરી ચૂક્યા છે.
બીજી જુલાઈ 2024ના રોજ નવનિર્મિત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પહેલા જ વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી નાંખી હતી. હંગામી ધોરણે તૈયાર કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગ પાસેના પિકઅપ અને ડ્રોપ પોઇન્ટ પરનું ભારે વરસાદને કારણે જર્મન ડોમ તૂટી ગયો હતો. એક વર્ષ પણ પૂરું થયું નહોતું અને તે પહેલાં જ 1400 કરોડના ખર્ચે તૈયાર થયેલા એરપોર્ટ પર અસુવિધાઓની લીધે કારણે મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહની બેદરકારીને કારણે લોકો રાજકોટને બદલે અમદાવાદથી હવાઇ મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.