રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો અને તેની ફરિયાદો છેક પ્રદેશ ભાજપ સુધી પહોંચતા સમગ્ર કમિટીના તમામ સભ્યોના રાજીનામાં લઇને તમામને ઘરભેગા કરી દઇને નવેસરથી ચૂંટણી યોજી પુરી કમિટિની નવરચના કરાઇ છે, પરંતુ અગાઉ શિક્ષણ સમિતિ એટલા વિવાદોમાં આવી ચૂકી છે કે હવે તો શિક્ષણ સમિતિમાં શું ચાલે છે તે જાણવામાં ફક્ત શિક્ષણ જગત જ નહીં પરંતુ સૌને રસ જાગ્યો છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવરચિત ટીમમાં ચેરમેન વિક્રમભાઇ પુજારા, વાઇસ ચેરમેન ડો.પ્રવિણભાઇ નિમાવત તેમજ સભ્યો સંગીતાબેન છાયા, અજયભાઇ પરમાર, જાગૃતિબેન ભાણવડીયા, મનસુખભાઇ વેકરિયા, રસીકભાઇ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ સાંબડ, હિતેશભાઇ રાવલ, ઇશ્વરભાઈ જીતિયા, જગદીશભાઇ ભોજાણી, સુરેશભાઇ રાઘવાણી, રાજેશભાઇ માંડલીયા અને વિગેરે શું કામગીરી કરી રહ્યા છે તેના ઉપર ૨૦ લાખ રાજકોટવાસીઓ મીટ છે પરંતુ દુધનો દાઝયો છાશ પણ ફૂંકીને પીવે તે કહેવતને સાર્થક કરતા આ નવી ટીમએ તો શિક્ષણ સમિતિમાં શું ચાલે છે તે જાહેર કરવાનું બંધ કર્યું છે, એચિવમેન્ટ્સ પણ હાઇલાઇટ ન થાય તો તેમાં પણ તેઓને કોઇ ગમ નથી ! શિક્ષણ સમિતિની બોર્ડ મિટિંગ ક્યારે મળી જાય છે તેની પણ જેમની ઉપસ્થિતી અપેક્ષિત હોય છે તે સિવાય કોઇને જાણ થતી નથી !
નવરચિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફક્ત બે ત્રણ વખત ચર્ચામાં આવી હતી જેમાં ભક્તિનગર સર્કલ પાસેની શાળાના બંધ બિલ્ડીંગના સંકુલમાં ગમાણ અને તબેલો કાર્યરત થયાની ફરિયાદ મળતા મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સ્ટાફએ વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી ત્યાંથી દબાણ દૂર કર્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં શિક્ષણ સમિતિની શાળાના બિલ્ડીંગમાં યોજાયેલો જમણવાર ચર્ચાસ્પદ બન્યો છે. ટૂંક સમયમાં શાળાકીય પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પ્રતિ વર્ષની જેમ નબળા પરિણામો અને ડ્રોપ આઉટ રેશિયો મામલે શિક્ષણ સમિતિની શાળાઓ ફરી ચર્ચામાં આવશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કારણે એક વખત પક્ષની પ્રતિષ્ઠાને અસર પહોંચી હોય નવરચિત ટીમને વિવાદો ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઇ છે અને તે સ્વાભાવિક છે પરંતુ સારી બાબતો, સિધ્ધિઓ કે કંઇક નવી શરૂઆત કરી હોય તેને જાહેર ન કરવી તેવો કોઇ આદેશ નથી છતાં તેવી બાબતો પણ જાહેર કરવાનું બંધ છે ! જાહેર કરો તો વિવાદ થાય ને તેવી નવી થિયરી અમલી કરાયાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભૂતકાળમાં દરેક બોર્ડ મિટિંગ અને તેમાં લેવાયેલા નિર્ણયોની પ્રેસ રિલીઝ અચૂક જાહેર કરવામાં આવતી હતી પરંતુ હવે તે પણ અચાનક આશ્ચર્યજનક રીતે બંધ થઇ ગઇ છે.
તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં મળેલી બોર્ડ મિટિંગમાં આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫નું રૂ.૧૯૩.૧૦ કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નવા ભળેલા ગામોના વિસ્તારોમાં જરૂરિયાત મુજબ નવી શાળાઓ નિર્માણ કરાશે જેથી ત્યાં રહેતા લોકોને ઘરથી નજીક શિક્ષણ સુવિધા મળશે. નવા ભળેલા ગામોમાં ખાસ કરીને મુંજકા અને માઘાપરની શાળાઓ શિક્ષણ સમિતિમાં ભળતા હવે તે શાળાઓને આધુનિક ભૌતિક સુવિધાઓથી સજજ કરવાની ખાસ જરૂરિયાત છે. બજેટમાં શૈક્ષણિક સેમિનાર, રાજયકક્ષા-રાષ્ટ્રીયકક્ષાના કાર્યક્રમની ઉજવણી, વાર્ષિક રમતોત્સવ, સાંસ્કૃત કાર્યક્રમ, ગણીત-વિજ્ઞાન પ્રદર્શન, વાલી સંમેલનો, શાળામાં સ્માર્ટ કલાસની સુવિધા તથા ગુરુ વંદના એવોર્ડ, નિવૃત શિક્ષક સન્માન સાથે શાળા વિકાસ માટેની જોગવાઇ તો કરાઇ છે પરંતુ તેમાંથી કેટલી જોગવાઇઓ ખરા અર્થમાં સાકાર થશે તે જોવું રહ્યું. ધોરણ-૧ થી ૮ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્ટેનન્સની જોગવાઇ કરવામાં આવી છે પરંતુ હવે તે થાય ત્યારે ખરૂં તેમ કહી શકાય. રાજકોટ મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ૧૦૦થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતી કુલ ૧૭૦૦૦ વિદ્યાર્થીનીઓના બેન્ક એકાઉન્ટમાં હાલ સુધી દર વર્ષે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા કરાતી રકમમાં વધારો કરાયો છે જે હાલ સુધીમાં કરાયેલા ફેરફરોમાંની એક માત્ર આવકારદાયક બાબત છે.
એકંદરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે જો જન સામાન્યને જોડવામાં આવે તો ચમત્કારિક પરિણામો મળી શકે તેમ છે, શહેરમાં એક વિશાળ વર્ગ છે જે સમિતિની શાળાઓમાં દાન આપવા આતુર છે અનેક લોકો એવા છે કે જેઓ શિક્ષણ ક્ષેત્રમાંથી નિવૃત છે પણ જો તેમને બોલાવી કામ સોંપવામાં આવે તો તેઓ સેવા આપવા ઇચ્છુક છે. સમિતિની શાળાઓની એક એવી ઇમેજ બની ગઇ છે તેમાં ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના અથવા તો પછાત વિસ્તારોના બાળકો જ અભ્યાસ કરતા હોય...આવી ઇમેજ દૂર કરવી જરૂરી છે પોશ વિસ્તારોમાં પણ મ્યુનિસિપલ સ્કૂલ હોવી જોઇએ અને ભદ્ર સમાજના પરિવારોના સંતાનો પણ તેમાં ભણવા પ્રેરાય તે સ્તર સુધી પહોંચવું તેવું લક્ષ્ય હોવું જોઇએ તેમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાડોશીને ઉછીના નાણા પરત કરવાનો ચેક રિટર્ન થતા આરોપીને 1વર્ષની કેદ
May 01, 2025 02:55 PMઅકસ્માતનું નુકસાન માગી, હડધૂત કરવાના કેસમાં બે આરોપીનો છુટકારો
May 01, 2025 02:54 PMમાત્ર દોઢ વીઘા જમીનમાં પણ શાકભાજીના પ્રાકૃતિક ઉત્પાદનથી થાય છે અઢળક આવક
May 01, 2025 02:54 PMઅજમેરની હોટલમાં આગ લાગવાથી ચારના મોત, લોકો જીવ બચાવવા બારીમાંથી કુદ્યા
May 01, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech