સ્વાતંત્ર્ય દિવસ 2026ના અવસરે દેશની સેવા અને પોલીસિંગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનારા અધિકારીઓમાં 2007 બેચની વરિષ્ઠ IPS અધિકારી નૂપુર પ્રસાદનો પણ સમાવેશ થાય છે. તેમને ‘મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ’થી સન્માનિત કરાયા હતા. હાલમાં નૂપુર પ્રસાદ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW)માં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
નૂપુર પ્રસાદ તેમના તેજસ્વી પોલીસિંગ રેકોર્ડ ઉપરાંત અનેક હાઈ-પ્રોફાઈલ તપાસોને કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. તેમણે દિલ્હી પોલીસ, CBI તેમજ અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. કારકિર્દી દરમિયાન તેમણે જટિલ ગુનાહિત અને આર્થિક ગુનાઓની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ દરમિયાન નૂપુર પ્રસાદ ખાસ ચર્ચામાં આવ્યા હતા. જૂન 2020માં મુંબઈમાં અભિનેતાના મૃત્યુ બાદ આ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઓગસ્ટ 2020માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તપાસ CBIને સોંપવામાં આવી હતી. ત્યારબાદ નૂપુર પ્રસાદે આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસનું નેતૃત્વ કર્યું હતું. તેમની દેખરેખ હેઠળ તપાસ ટીમે સાક્ષીઓના નિવેદનો, ફોરેન્સિક રિપોર્ટ અને મેડિકલ પુરાવાઓની વિગતવાર તપાસ કરી હતી. 2025માં CBIએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરી હતી અને તપાસમાં હત્યા, કાવતરું અથવા આત્મહત્યા માટે ઉશ્કેરવાના પુરાવા મળ્યા ન હોવાનું જણાવ્યું હતું.
CBIમાં જોડાયા પહેલાં નૂપુર પ્રસાદે દિલ્હી પોલીસમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. તેઓ દિલ્હીના નવા રચાયેલા શાહદરા જિલ્લાના પ્રથમ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે પણ નિયુક્ત થયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ડ્રગ નેટવર્ક અને ગેરકાયદેસર સટ્ટાબાજી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
નોર્થ દિલ્હી DCP તરીકેની જવાબદારી દરમિયાન તેમણે લાલ કિલ્લા ખાતે સ્વાતંત્ર્ય દિવસ સમારોહ તેમજ દિલ્હી યુનિવર્સિટી ચૂંટણી જેવી મોટી જાહેર ઘટનાઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું અસરકારક સંચાલન કર્યું હતું.
CBIમાં કાર્યકાળ દરમિયાન નૂપુર પ્રસાદે સુશાંત સિંહ રાજપૂત કેસ ઉપરાંત ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે જોડાયેલા નાણાકીય કેસો અને અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદા જેવી ચર્ચાસ્પદ તપાસોમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસિંગ અને તપાસ સિવાય નૂપુર પ્રસાદે મહિલા આત્મરક્ષા, યુવા વિકાસ, સાયબર સુરક્ષા અને નશામુક્તિ જેવા સામાજિક અભિયાનોમાં પણ યોગદાન આપ્યું છે. તેમના ઉત્કૃષ્ટ તપાસ કૌશલ્ય, ગુના નિયંત્રણ, જાહેર સેવા, કાયદો-વ્યવસ્થા જાળવવા અને વહીવટી કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.