રાજકોટના અત્યંત વ્યસ્ત અને ટ્રાફિકથી ધમધમતા જંક્શન મેઈન રોડ પર વર્ષ 2008માં રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા હાથ ધરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહી સામે આખરે કાયદાનો વિજય થયો છે. રાજકોટના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ V.D. મોડ સાહેબે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના રાતોરાત કરાયેલા 82 જેટલા નાના વેપારીઓના ડિમોલિશનને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ અને સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠેરવ્યું છે. આ સાથે જ અદાલતે તમામ અસરગ્રસ્ત પીડિત વેપારીઓને લીગલ ભાડૂઆત ગણીને તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે, જેનાથી 18 વર્ષની દર્દનાક અને લાંબી કાનૂની લડત બાદ વેપારીઓમાં ભારે હર્ષ અને આનંદની લાગણી છવાઈ છે.
ઘટનાની વિગતો મુજબ, 31 જાન્યુઆરી 2008ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન રોડ એટલે કે જંક્શન મેઈન રોડ પર અચાનક મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કોઈપણ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા વિના જ 82 જેટલી દુકાનો અને કેબિનો પર બુલડોઝર ફેરવી દઈને વેપારીઓની રોજીરોટી છીનવી લેવામાં આવી હતી. આ તોડફોડની કાર્યવાહીથી પાયમાલ થયેલા વેપારીઓએ પોતાના હક માટે કાયદાનો સહારો લીધો હતો અને એડવોકેટ K.D. શાહ મારફતે 2 ફેબ્રુઆરી 2008ના રોજ રાજકોટની અદાલતમાં સિવિલ સૂટ દાખલ કરીને કાનૂની સંગ્રામ શરૂ કર્યો હતો.
18 વર્ષ સુધી ચાલેલી આ લાંબી અને કરૂણ કાનૂની લડતનો અંત આવતાં અદાલતે તમામ દાવાઓ અંશતઃ મંજૂર કર્યા હતા. આ અંગે માહિતી આપતાં એડવોકેટ K.D. શાહે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા કેટલાક ચોક્કસ ખાનગી બિલ્ડરો કે રાજકીય નેતાઓને લાભ પહોંચાડવાના હેતુથી જંક્શન મેઈન રોડ પરના નાના વેપારીઓની દુકાનો જમીનદોસ્ત કરી દેવાઈ હતી. અદાલતમાં કોર્પોરેશનનો એ દાવો સાબિત થઈ શક્યો નથી કે વેપારીઓએ રોડ પર ગેરકાયદેસર દબાણ કે એન્ક્રોચમેન્ટ કર્યું હતું. આખરે કોર્ટે આ તમામ અસરોગ્રસ્તોને કાયદેસરના ભાડૂઆત માનીને મહાનગરપાલિકાને તેમને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવી આપવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
આ લડત દરમિયાન વેપારીઓએ ભારે આર્થિક અને માનસિક યાતનાઓ ભોગવવી પડી હતી. જંક્શન રોડના વેપારી કાથડભાઈ ડાંગરે પોતાના ભૂતકાળના દર્દને યાદ કરતાં જણાવ્યું હતું કે, દેશના વિભાજન સમયે અમારા પૂર્વજો ભારત આવીને નિરાશ્રિત થયા હતા. પરંતુ આઝાદીના દાયકાઓ પછી પોતાના જ દેશમાં પોતાના જ તંત્ર દ્વારા ફરીથી નિરાશ્રિત થવું પડ્યું તે લાગણી અત્યંત દુઃખદ અને પીડા આપનારી હતી. 18 વર્ષના અવિરત સંઘર્ષ બાદ અદાલતે તંત્રનું આ પગલું અમાન્ય ઠેરવી વેપારીઓની તરફેણમાં નિર્ણય આપતાં આજે ન્યાયતંત્ર પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
અત્રે નોંધનીય છે કે, 2008માં થયેલા ડિમોલિશન બાદ પણ 1990, 2012 અને 2013 દરમિયાન કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વેપારીઓને પુનઃવસન માટે વૈકલ્પિક જગ્યા આપવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, પરંતુ તંત્રના પેટનું પાણી હલ્યું નહોતું અને તેનો ક્યારેય અમલ કરાયો નહોતો. આ 18 વર્ષના લાંબા સમયગાળા દરમિયાન આર્થિક તંગી, રોજગારની પાયમાલી અને આઘાતના કારણે 30થી વધુ અસરોગ્રસ્ત વેપારીઓના અકાળે અવસાન થયા હતા, જ્યારે એક વેપારીએ મજબૂર થઈને આપઘાત પણ કરી લીધો હતો. આર્થિક અસક્ષમતાના કારણે 82માંથી માત્ર 36 વેપારીઓ જ છેક સુધી કેસ લડી શક્યા હતા. જોકે, અદાલતના આ માનવતાવાદી ચુકાદાથી હવે મૃતક વેપારીઓના પરિવારો અને બાકી રહેલા તમામ પીડિતોને પોતાના હકની જગ્યા પરત મળવાનો માર્ગ મોકળો થયો છે.