BREAKING NEWS

રાજકોટના 1000 કરોડના ઠગાઈ મહાકાંડમાં પડદા પાછળનો આકા કોણ? ચીટર અમિત ભાણવડિયા અને વિજય માકડિયા માત્ર મોહરું

  • January 17, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં નમકીન ક્ષેત્રમાં ખૂબ મોટું નામ ધરાવતા વડાલીયા ફુડસ કંપનીના માલિક અને પરિવાર સાથે 10.99 કરોડની છેતરપીંડી કાંડમાં વિજય માકડીયા અને અમિત ભાણવડીયા નામના ચીટરોએ પોતાની ત્રણ પેઢીમાં રોકાણ કરી ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી વડાલીયા પરિવારને જ નહીં પરંતુ રાજકોટના નામે ઉદ્યોગપતિઓ શિક્ષણ, રાજકીય અગ્રણીઓ,બિલ્ડરો અને વેપારીઓ સહિત અંદાજે 300 જેટલા રોકાણકારોને જાળમાં ફસાવી 1000 કરોડ જેટલું મહા મોટું કૌભાંડ આચર્યાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં નામાંકિત નમકીન વડાળીયા ફ્રુડ પરિવારના દર્શનભાઇ રસિકભાઇ વડાલીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૯ માં વિજય માકડીયા અને અમિત ભાણવડીયાએ ક્રશર પેઢીમાં રોકાણ કરવાનું  જણાવી વાત કરેલ કે અમે બંને દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરીએ છીએ તેમાં તમે પૈસાનું રોકાણ કરો તો તમને વાર્ષિક ૧૨ ટકાના વળતર સાથે તમે રોકાણ કરેલ મુડી સમયમર્યાદામાં પરત કરશું. તેમ જે પૈસાનું રોકાણ કરશો તે અમે અમારી ત્રણેય ક્રશર પેઢીમાં રોકાણ કરશું તેમ જણાવેલ હતું.


આ બન્ને ચીટર એ વડાલીયા પરિવારના સંબંધી અને મિત્ર હોય તેઓના કહેવાથી ફરિયાદીએ તેમના માતા જોસનાબેન વડાલીયા, સગા દાદા ગોકળભાઇ વડાલીયા, સગા કાકા નવનીતભાઇ વડાલીયા સહિતના પરિવારજનોને આ બાબતે  વાત કરતા તેઓએ બંને આરોપી પર વિશ્ર્વાસ રાખી તેઓએ જણાવેલ કે, ત્રણે ક્રશર પેઢીમાં પૈસાનું રોકાણ કરવા સહમતી દર્શાવેલ હતી. આ બાબતે બંને આરોપીઓને વાત કરતા જણાવેલ કે તમે બધા આપણા સગા જ થાવ છો. બધાને જેટલા રૂપિયાનું રોકાણ કરશો તેના પર 1ર ટકા વાર્ષિક વળતર આપીશું. 


જે બાદ વર્ષ ૨૦૧૯ થી ર૦૨૪ સુધી અલગ અલગ સમયે ફરિયાદી અને તેમના પરિવારજનોએ બંને આરોપીની  ત્રણ ભાગીદારી ક્રશર પેઢીમાં કુલ રૂપિયા 6,90,67,000 જમા કરાવેલ હતા. જે રોકાણ કરેલ રૂપિયા વળતર સહિત આ બંને લોકો પાસે માંગતા તેઓ દ્વારા થોડા રૂપિયા આપેલ હતા. જેથી તેમના પર વધુ વિશ્ર્વાસ બેસેલ હતો.  જે બાદ રૂપિયા રોકાણ કરેલ વળતર સહિત પરત માંગતા બંને શખ્સો કહેતા કે તમારૂ જે રોકાણ છે.


તેના વળતર સહિતની રકમ અમે આગળના રોકાણમાં ગણી તે તમામ રકમ વળતર સહિત તમને ચુકવી આપશું. જે વિશ્ર્વાસમાં લઇ રોકાણ પેેટેની વળતર રૂા.1.8 કરોડ પરત આપેલ, આ સમયગાળા દરમ્યાન રોકાણકારો દ્વારા રોકાણ કરેલ રૂપિયાની માંગણી કરાતા બંને શખ્સોએ શરૂઆતમાં અલગ અલગ બહાના બતાવતા હતા જે બાદ બંનેએ પૈસા પરત આપવાની ચોખ્ખી ના પાડીને કહેલ કે તમારાથી થાય તે કરી લેજો પૈસા આપવાના થતા નથી. ત્યારબાદ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધેલ અને ઘર જતા ત્યાં પણ મળી આવેલ ન હતા. છેલ્લા એક વર્ષથી બંને મળેલ નથી. જેથી બંને શખ્સોએ તેમની ત્રણે પેઢીમાં રોકાણ કરવાના બહાને રૂા. 6.90 કરોડ પડાવી લઇ બાદમાં વળતર સહિતના રૂા. 10.99 કરોડ પરત ન કરી છેતરપીંડી આચરતા ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી પીઆઇ ચિરાગ જાદવ અને ટીમે તપાસ આદરી હતી.


આ અંગે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા આરોપીઓને પકડવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ. એન.પરમાર અને આર.કે.ગોહિલ અને ટીમે તુરંત જ તપાસ આદરી આરોપી અમીત રમેશ ભાણવડીયાને ઝડપી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે વિજય હરીભાઈ માકડીયાની શોધખોળ આદરી હતી.


તો બીજી તરફ ચીટર અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે ગુનો નોંધાયાનું અને ન્યુઝ પેપરમાં સમાચારો પ્રસિદ્ધ થતા ની સાથે જ ભોગ બનનાર 50થી પણ વધુ વ્યક્તિઓ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા દોડી ગયા હતા અને ભોગ બનનાર એક એક વ્યક્તિએ પોતાની સાથે કેટલું ફ્રોડ કરવામાં આવ્યું છે તે અંગેની લેખિત અરજીઓ કરી ભોગ બનનાર વતી પાંચ અગ્રણીઓ પીઆઇ ચિરાગ જાદવ ને રૂબરૂ મળ્યા હતા અને અરજી આપી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગેની તપાસ યુવા આઈપીએસ જગદીશ બાંગરવા પાસે હોય પરંતુ તે ઓફિસ પર હાજર ન હોવાથી હાલ પીઆઇ ને આવેદનપત્ર પાઠવ્યું છે તેમજ ડીસીપી ક્રાઈમને ભોગ બનનાર રૂબરૂ મળી રજૂઆત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.


સીપીમાં થયેલ અરજી કોણે અને ક્યાં કારણોસર દબાવી દેવાય હતી?

રાજકોટના ઉદ્યોગપતિઓ વેપારીઓ શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મીડિયાના પરિવારોને 12% ની લાલચ આપી અંદાજે 1000 કરોડ ની છેતરપિંડીના ચકચારી બનાવમાં ખુદ પોલીસ ની ભૂમિકા સામે પણ સવાલો ખડા થાય તેવુ નજરે પડી રહ્યું છે અંદાજે છ માસ પૂર્વે પોલીસ કમિશનરમાં છેતરપિંડીની કરવામાં આવેલી અરજીની તપાસ આજ દિન સુધી કેમ ન થઈ? કોના કહેવાથી આ તપાસ દબાવી દેવામાં આવી હતી? અને એકાએક આ કૌભાંડમાં ફરિયાદ કેમ દાખલ કરવી પડી તે 100 મણના સવાલ ઊભા કરે છે.


ચીટર અમિત ભાણવડિયાના પાંચ દિવસના રિમાન્ડ મેળવાયા

રાજકોટના નામાંકિત વડાલીયા નમકીન ફ્રૂડ ના માલિક સાથે 10.98 કરોડની છેતરપિંડી થયા અંગેની ક્રાઈમ બ્રાન્ચમાં અમિત ભાણવડિયા અને વિજય માકડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની રાહબરિમા પીઆઈ ચિરાગ જાદવ દ્વારા આરોપી અમિત ભાણવડિયાની ધરપકડ કર્યા બાદ અદાલતમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.


એમસીએક્સ તેમજ ફાઇનાન્સમાં નાણા ગુમાવ્યા? કે અન્ય કંઈ?

રાજકોટ શહેરમાં અંદાજે 300 જેટલા લોકો ને ક્રશર પેઢીમાં નાણાંનું રોકાણ કરાવી ૧૨ ટકા વળતરની લાલચે 1000 કરોડ આસપાસ નો ચૂનો ચોપડનાર ત્રણ ત્રણ પેઢી ધરાવતા ભાગીદાર વિજય માકડીયા અને અમિત ભાણવડિયા પાસે હાલ નાણાં નહીં હોવાનું તેમજ બંને એમસીએક્સ સટ્ટા કરોડો ગુમાવ્યા નું અને ફાઇનાન્સમાં નાણાં ગુમાવ્યા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.


મેઘ ફાઇનાન્સ પેઢીમાં ડોક્ટર અને બિલ્ડર પણ વિજય અને અમિત સાથે હતા

ક્રશર ની ત્રણ પેઢી જેમાં દર્શન મિનરલસ, જય સ્ટોન અને દર્શીલ સ્ટોન ક્રશર, માં અમિત અને વિજય બંને ભાગીદાર હતા આ ઉપરાંત એક ફાઇનાન્સ પેઢી માં પણ ભાગીદારી કરી હતી તેમાં ડોક્ટર બીરજુ પટેલ તેમજ બિલ્ડર મિથુન ડઢાણીયા જે વિજય નો સંબંધી છે તે ફાઇનાન્સ પેઢીમાં ભાગીદાર હતા અને કૌભાંડ બહાર આવતા ફાઇનાન્સ પેઢીમાં પણ તળા પડ્યાનું ચર્ચાઈ રહ્યું છે.


અમિત અને વિજય માત્ર મોહરું પડદા પાછળનો આકા, કોણ.. ?

આ ચકચારી છેતરપિંડી કાંડમાં અમિત ભાણવડિયા અને વિજય માકડીયા માત્ર મોહરું હોવાની ભોગ બનનારોમાં છાના ખૂણે ચર્ચાઓ થઈ રહી છે આ સમગ્ર કાંડ પાછળ એક મોટા ગજાનો બળુકો અને રાજકીય તેમજ પોલીસ માં વર્ગ ધરાવતો આકા પડદા પાછળ ભૂમિકા ભજવી રહ્યા નું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે.


મની મસલ્સ પાવર ધરાવતા વગધારીઓએ જમીનના દસ્તાવેજ કરાવી લીધા?

રાજકોટમાં 300 જેટલા રોકાણકારોને કરોડોનો ચૂનો ચોપડનાર ચીટર બેલડી કાચી પડતી હોય તેવું ધ્યાને આવતા તેની સાથે રહેલા તેમજ પડદા પાછળ ભૂમિકા ભજવતા વગધારીઓએ પોતાના તેમજ સગા સંબંધીઓના રોકાણ કરેલા નાણા કઢાવવા માટે તમામ તાકાત કામે લગાડી હતી અને બંને ભાગીદારો પાસેથી હવાલામાં જમીનોના દસ્તાવેજ કરાવી લીધાની કાન ફાડી નાખે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.


અમિતનું અપહરણ કરી જુનાગઢ ઉઠાવી ગયાનું ખરેખર સાચું કે સ્ટોરી ઊભી કરી?

અમિત હત્યા કેસમાં રાજકોટ અદાલતમાં મુદતે આવ્યો હતો ત્યારે તેનું અમુક શખશો અપહરણ કરી ઉઠાવી ગયા હતા તેવી પોલીસ પાસે કબુલાત આપી હતી પરંતુ આ વાત પોલીસને ગળે ઉતરતી નથી આની પાછળ પણ કોઈ મોટી ઘટના હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જુઓ ખરેખર પોલીસ ઊંડી ઉતરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.


એક ન્યૂઝ પેપરના માલિકના પરિવારજનોએ પાંચ કરોડ ગુમાવ્યા!

રાજકોટમાં 1000 કરોડના મહા કૌભાંડમાં ૩૦૦ જેટલા વ્યક્તિઓ ભોગ બન્યાનું તેમાં માત્ર ઉદ્યોગપતિઓ વેપારીઓ જ નહીં પરંતુ એક ન્યુઝ પેપર ચલાવતા સંચાલક ક્ષત્રિય પરિવાર ના સભ્યોએ પણ અંદાજે પાંચ કરોડ જેવી માતબર રકમ ગુમાવ્યા નું ખાનગી સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application