લઠ્ઠાકાંડ વિરોધ: કોડીનાર કોંગ્રેસ આવેદન પાઠવે તે પહેલાં જ કાર્યકરોની અટકાયત
લઠ્ઠાકાંડ વિરોધ: કોડીનાર કોંગ્રેસ આવેદન પાઠવે તે પહેલાં જ કાર્યકરોની અટકાયત
September 01, 2026 10:55 AM
ભાવનગરમાં સર્જાયેલા ઝેરી લઠ્ઠાકાંડના વિરોધમાં કોડીનાર તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવવા જતાં પહેલાં કોંગ્રેસના કાર્યકરોએ મુખ્ય માર્ગ બંધ કરી ધરણાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચક્કાજામ થાય તે પૂર્વે જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આવેદનપત્ર માં મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી કે સમગ્ર ઘટનાની હાઈકોર્ટના સીટિંગ જજની દેખરેખ હેઠળ એસ.આઈ.ટી. (SIT) તપાસ કરાવવી. તેમજ લઠ્ઠા માફિયાઓ અને જવાબદાર અધિકારીઓ સામે સદોષ માનવવધનો ગુનો નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો. મૃતકોના પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય અને બાળકોના ભવિષ્ય માટે વિશેષ પેકેજ જાહેર કરવું.અને કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા દારૂના તમામ અડ્ડાઓ કાયમી ધોરણે બંધ કરાવવા. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે.