રાજકોટના અણિયાળાના પાટીયા પાસેથી યુવાનનું કારમાં અપહરણ કરી બે શખસો નાસી છૂટયા હતાં. જે અંગે જાણ કરતા આજીડેમ પોલીસે તાકીદે તપાસ હાથ ધરી અપહરણકર્તાઓના સગડ મેળવી અપહ્યત યુવાનને મુક્ત કરાવ્યો હતો. આરોપીઓ યુવતીના પરીજનો જ હોવાનું માલુમ પડયું હતું જે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
રાજકોટના ત્રંબા ગામમાં આવેલા કલ્યાણપાર્કમાં રાધીકા સ્કુલની બાજુમાં રહેતાં ગૌતમભાઈ સવજીભાઇ લીંબાણી (ઉવ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે આઇસર ગાડીનુ ડ્રાઇવીંગ કરે છે. ગઈકાલે સવારના ૧૧ વાગ્યાના વખતે તે આઇસર લઈ શાપર ફેરો નાખવા માટે ગયો હતો ત્યારે મોટા ભાઈ પાર્થભાઈને ફોન કરી કહ્યું હતું કે, હું શાપર ગાડી ખાલી કરવા માટે આવ્યો છુ. તો ભાઈએ કહેલ કે, હું આપણુ બાઈક લઇ અણીયારા ગામના પાટીયા પાસે આવેલ આઇ માં હોટલે ખાતે કામથી ગયો છું
ત્યારબાદ ૧૨ વાગ્યે બહેન હેતલબેનનો ફોન આવ્યો કે, પાર્થભાઈ ફોન ઉપાડતો નથી તેમ જાણ કરતા યુવકે ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ઉઠાવ્યો ન હતાો ત્યારબાદ ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. જેથી શાપરથી સીધો અણીયાળા ગામના પાટીયે હોટલે પહોંચતા અહીં પાર્થ ન હતો. જેથી ત્યાથી ઘરે ત્રંબા જવા નિકળેલ અને રસ્તામાં જોયુ તો ભવદિપ પેટ્રોલપંપ પહેલા પેટ્રોલપંપની સામેની બાજુએ રોડની સાઇડમાં યુવાનનું બાઈક પડયુ હતુ, જેથી ત્યાં તપાસ કરી હતી.
બાદમા અહી બાજુમાં આવેલી વાડીમાં કામ કરનાર વ્યકિતને બાઈક બાબતે પુછતા તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા આ બાઈકવાળા ભાઇ તથા એક ફોરવ્હીલ ગાડીમાંથી ઉતરેલ બે માણસો વચ્ચે ઝઘડો થતો હતો અને ત્યાર બાદ આ બે માણસો આ બાઈકવાળા ભાઇને પકડીને બળજબરીથી તેની ગાડીમાં બેસાડી ગાડી લઇને જતા રહ્યા છે.
જેથી યુવાને સરધાર પોલીસ ચોકી ખાતે આ બાબતે ફરીયાદ કરવા માટે આવતો હતો ત્યારે ૬ વાગ્યે મો.નં.૬૩૫૫૮ ૪૬૮૫૩ ઉપરથી ફોન આવતા તેમાં તેમનો ભાઇ વાત કરતો હતો અને તેણે જણાવેલ કે, 'તું ક્રિષ્નાને લઈને અહીં દડવા આવતો રહે મને અહી લઇ આવેલ છે' તેમ વાત કરતા ફોન ક્રિષ્નાને આપેલ અને તેઓએ દડવા જવાની ના પાડતા સામેથી ફોન કાપી નાખ્યો હતો.
જેથી આ બનાવમાં ફરીયાદીએ વધુમાં જણાવ્યું કે, તેમના ભાઇએ દડવા ગામની ક્રિષ્ના સાથે મૈત્રીકરાર કર્યા હોય જેનો ખાર રાખી બે અજાણ્યા માણસોએ તેમના ભાઈને પકડી બળજબરી કરી અપહરણ કરી કારમાં બેસાડી અપહરણ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવને લઇ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી અપહ્યત યુવાનને મુકત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.