રાજકોટ વાંકાનેરના હસનપરામાં રહેતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. યુવક ઉપર દેણું થઇ જતા પગલું ભરી લીધાનું કારણ સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના હસનપરા નજીક શક્તિપરામાં રહેતા હરેશ હમીરભાઈ રોજાસરા (ઉ.વ.27)એ ગત તા.15ના બપોરના સમયે પોતાના ઘરે હતો ત્યારે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બે દિવસની સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર યુવક ચાર એક બહેનમાં ત્રીજા નંબરે હતો અને સંતાનમાં એક દીકરો દીકરી છે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કેટલાક દિવસથી ચિંતામાં હોય આથી પત્નીએ પૂછતાં પૈસાનું ટેન્શન હોવાનું કહ્યું હતું. આર્થિક તંગીમાં ફસાઈ જતા યુવકે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે, વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.