રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં મોડી રાત્રીના યુવકને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા વિસ્તારમાં ચકચાર જાગી છે. હત્યા કરવામાં આવી એ યુવકને અઠવાડિયા પહેલા બાઈક અડી જવા બાબતે માથકૂટ થઇ હતી તેના મનદુઃખનું સમાધાન કરવા બોલાવી રહેશી નાખ્યો હતો. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
હત્યાના બનાવની મળતી વિગત મુજબ મવડી પાળ રોડ પર આવેલ ટાઉનશિપમાં રહેતાં પરેશ ટાપાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮)નો યુવક રાત્રીના ઘરે હતો ત્યારે કોઈનો ફોન આવ્યો હતો. અને મવડીના આંબેડકર ચોક પાસે આવવાનું કહેતા યુવક રાત્રીના ત્યાં પહોંચ્યો હતો દરમિયાન ત્યાં ઉભેલા રાધે તેમજ અનિલ ઉર્ફે કાનો અને તેમની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સોએ ઝગડો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવક ત્યાંજ ઢળી પડ્યો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઇ જતા શખસો નાશી છૂટ્યા હતા અને કોઈએ 108 અને પોલીસને જાણ કરતા પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને આઠેક દિવસ પહેલા પાળ રોળ પર હત્યામાં સામેલ શખ્સ સાથે બાઈક અથડાવવા બાબતે માથાકૂટ થઇ હતી તે બાબતેનો ખાર રાખી ગઈકાલે આ વાતનું સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. યુવક ત્યાં પહોંચતા જ અગાઉથી તૈયારી સાથે ઉભેલા નામચીન શખ્સ અને સાગરીતોએ છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.
બનાવને લઈને પોલીસે વિસ્તારના સીસીટીટીવી મેળવી હત્યામાં સામેલ કુખ્યાત રાધે, અનિલ ઉર્ફે કાનો અને તેના સાગરીતોને ઝડપી લેવા ચક્રોગતિમાન તેજ કર્યા છે