BREAKING NEWS

સાવરકુંડલામાં હૃદયદ્રાવક ઘટના: પિતાએ 5 વર્ષીય માસૂમ પુત્રીની હત્યા કરી મૃતદેહ ફ્રિજમાં મૂકી દીધો, પોતે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત

  • September 17, 2026 07:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં એક અત્યંત કરૂણ, ચોંકાવનારી અને હૃદયને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાક મકાનમાંથી પિતા અને તેની માસૂમ પુત્રીના શંકાસ્પદ તથા રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પિતાએ પોતાની પાંચ વર્ષીય માસૂમ પુત્રીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ફ્રિજમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હોવાનું બહાર આવ્યું છે.


ઘટનાસ્થળે જ્યારે પરિવારજનો અને ગ્રામજનો પહોંચ્યા ત્યારે અંદરના દ્રશ્યો અત્યંત ડરામણા અને કાળજું કંપાવનારા હતા. રૂમમાં પિતાનો મૃતદેહ હાથ-પગમાં મોજા પહેરેલી અને મોઢું ઢાંકેલી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બીજી તરફ, ઘરની તલાશી લેતી વખતે ૫ વર્ષીય દીકરી હિમાંશી ઉર્ફે દીકુ ગાયબ જણાતા તેની શોધખોળ શરૂ કરાઈ હતી, જે ફ્રિજ ખોલતા બેસેલી અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી હતી. દીકરીના મૃતદેહને કોઈ સમાધિ આપવામાં આવી હોય તે પ્રકારે આસન પર બેસાડવામાં આવ્યો હતો, અને તે ઢળી ન જાય તે માટે આજુબાજુ ઓશિકાના ટેકા મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દીકરીના મોઢામાં તુલસી જેવું પાંદડું મૂકવામાં આવ્યું હતું, ગલગોટાના ફૂલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને માથે માતાજીના ફોટાને ઓઢાડવામાં આવે તેવી પવિત્ર ચૂંદડી ઓઢાડવામાં આવી હતી તેમજ બંને હાથ ભેગા કરીને તેના હાથમાં પણ કંઈક મૂકવામાં આવ્યું હતું.


આર્થિક સંકટ અને સુસાઈડ નોટનો ખુલાસો

મૃતક પિતા હાડીડા ગામે ભાડાના મકાનમાં રહેતા કિશોરભાઈ નાથાભાઈ ધાણક (પરાજીયા સોની) હતા, જેઓ બાંધકામની સાઇડ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત ૧૬ સપ્ટેમ્બરે તેઓ પૈસાની ઉઘરાણી માટે મહુવા ગયા હોવાનું કહીને ઘરની બહાર નીકળ્યા હતા. સાંજના સમયે જ્યારે તેમની પત્ની મંજુબેન તથા સગા-સંબંધીઓ ઘરે પહોંચ્યા ત્યારે ઘર અંદરથી બંધ હતું. ઘણું બોલાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કરાયો હતો, જ્યાં કિશોરભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા નજરે પડ્યા હતા. આ સમગ્ર કરૂણ ઘટનાસ્થળેથી પોલીસને કિશોરભાઈ દ્વારા પોતાના હસ્તાક્ષરમાં લખાયેલી ત્રણ અલગ-અલગ સુસાઈડ નોટ (ચિઠ્ઠીઓ) મળી આવી હતી.


આત્મહત્યા અને હત્યા પાછળનું આર્થિક કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિશોરભાઈએ મહુવા ખાતે કરેલા બાંધકામ કામના બાકી નીકળતા નાણાં તથા અન્ય ખર્ચના મળીને કુલ આશરે રૂા. ૭ લાખ ૨૫ હજાર જેટલી મોટી રકમ લેવાની બાકી હતી. લાંબા સમય સુધી આ નાણાં પરત ન મળવાના કારણે અને માથે પર્સનલ લોનનું ભારણ સતત વધી જવાથી તેમનો પરિવાર ગંભીર આર્થિક સંકટ અને તંગીમાં મુકાઈ ગયો હતો. સુસાઈડ નોટમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે બાકી પૈસા ન મળતા આર્થિક તંગીથી કંટાળીને તેઓ આત્યંતિક પગલું ભરી રહ્યા છે. આ ઉપરાંત, પોતાના મૃત્યુ પછી પાછળથી તેમની વ્હાલી દીકરી એકદમ અનાથ બનીને ભારે દુઃખી થશે તેવા ડર અને ચિંતાના કારણે તેમણે દીકરીના મોં પર આડો હાથ દઈ શ્વાસ રુંધાવી તેની હત્યા કરી નાખી હતી અને મૃતદેહને ફ્રિજમાં છુપાવી દીધો હતો, અને અંતે પસ્તાવા સાથે માફી માંગી પોતે પણ આપઘાત કરી લીધો હતો.


પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી

આ ગોઝારી અને હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતક કિશોરભાઈની પત્ની મંજુબેન ધાણક દ્વારા આપવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૩(૧) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર (PSI) પી.એલ. ચૌધરી દ્વારા આ મામલે ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે અને આર્થિક લેવડ-દેવડ તેમજ અન્ય પાસાઓ પર સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application