રાજકોટના રેલનગરમાં ગઈકાલે યુવકની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ યુવક છત ઉપરથી પડી ગયો અથવા તો આપઘાત કર્યાનું જણાઈ રહ્યું હતું. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ ખાતે ખસેડવામાં આવતા યુવકને ઇજાના નિશાન હોવાનું તબીબોએ જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકનું આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા થયાનું ખુલ્યું હતું. બનાવના પગલે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ બનાવ બન્યો એ બિલ્ડિંગમાં કામ કરતા ત્રણ શખસોને શકમંદ તરીકે ઉઠાવી લઇ પુછપરછ હાથ ધરતા ચોંકાવનારી હકીકત જણાવી હતી કે, દુખીશ્યામે બહેનની છેડતી કરતા બેફામ મારમારી લોખંડ બાંધવાના તારથી ગળેટુંપો આપી દઈ રાત્રીના લાશને છત ઉપરથી નીચે ફેંકી દીધો હતી. પોલીસે કબૂલાતના આધારે ત્રણેય શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઓરિસ્સાનો અને હાલ રાજકોટમાં રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર ભારત પેટ્રોલપંપ સામેની શેરીમાં શ્રી બંગ્લોઝની બાજુમાં નવા બનતા મકાનની સાઈટ ઉપર રહી મજૂરી કામ કરતો દુઃખી શ્યામ મિતકર બાગ (ઉ.વ.43)નો શખસ ગત રાત્રીના જમ્યા બાદ સાથે કામ કરતા રાજેશ કૈલાશ ભુરીયાની પત્ની તાનું અને અજિત ભૂરિયાની પત્ની રસોઈ બનાવતા હતા ત્યાં પહોંચ્યો હતો અને તેને તાનું નો હાથ પકડી લેતા તાનુંએ બુમાબુમ કરી મૂકી હતી. અવાજ સાંભળતા તાનુંનો પતિ રાજેશ તેના બંને સાળા પિંજુ અને અજિત દોડી ગયા હતા.
અને ચારેય વચ્ચે ઝગડો થતા દુઃખી શ્યામે નીચે પડેલી ઈંટોંના ઘા કરી સીડી ચડી બીજી છત ઉપર ભાગી છૂટ્યો હતો. તેની પાછળ ત્રણેય શખ્સો દોડ્યા હતા અને પકડી લઇ ઢીકાપાટુ અને લાકડાના ધોકાથી બેફામ મારમાર્યો હતો.દુઃખી શ્યામ પડી જતા રાજેશ અને અજિતે તેને પકડી રાખ્યો હતો અને પિંજુએ ત્યાં પડેલી લોખંડ બાંધવાના વારા વડે ગળેટુંપો આપી પતાવી દીધો હતો. બાદમાં ત્રણેય નીચે આવી ફરી મોડી રાત્રે ઉપર ગયા હતા અને દુખીશ્યામના મૃતદેહની ટીંગાટોળી કરી છત ઉપરથી નીચે લાવી મકાનના નવેળામાંથી નીચે ફેંકી દીધો હતો. સમગ્ર બનાવની કબૂલાતના આધારે પોલીસે રાજેશ કૈલાશ ભુરીયા, પિંજુ કેવન ભુરીયા અને અજિત કેવન ભુરીયા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application