રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલે આજરોજ સરાજાહેર યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવસ્થળે દોડી ગયા હતા. ભક્તિનગર સર્કલે બપોરના સમયે સહકાર મેઇન રોડ રહેતા વિમલ ધર્મેશભાઇ વાણીયા (ઉ.વ.૨૭) નામના યુવાનને સગા સાળાએ જ બોલાચાલી થયા બાદ તેને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાન લોહીલુહાણ હાલતમાં અહીં ફસડાઇ પડયો હતો બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનુ નામ વિમલ ધર્મેશભાઈ વાણીયા (ઉ.વ.27) હોવાનું અને તે સહકાર રોડ પર રહેતો હોવાનું સામે આવ્યું છે જેને શીતલ નામની યુવતી સાથે આજથી 7 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી શીતલના પરિવારજનો આ લગ્નના વિરોધમાં હોવાથી શીતલ સાથે સબંધો તોડી દીધા હતા. મૃતક યુવાન વિમલની પત્ની શીતલએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, RC બુક લેવાના બહાને બોલાવી બાદમાં મારા ભાઈ કમલેશે મારા પતિને બોલાવી બાદમાં મોતને ઘાટ ઉતારી દીધો છે. હું અને મારો દીકરો નોધારા થઇ ગયા છીએ મારા ભાઈને ફાંસીની સજા જ અપાવજો.
પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, આરસી બુક તો કાલે આવી ગઈ હતી પણ બહાનું બતાવ્યું હતું કે, તમારા કોઈ ડોક્યુમેન્ટ આવ્યા છે. પણ ડોક્યુમેન્ટ કાંઈ આવ્યા નહોતા અને મારા ભાઈએ મારા ઘરવાળાને મારી નાંખ્યા. મારા પરિવારે 50 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન નક્કી કર્યા હતા. આથી મેં લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. લગ્ન માટે મારા પપ્પા અને કાકાએ 25 લાખ રૂપિયા પણ લઈ લીધા હતા. પણ મેં કહ્યું હતું કે હું વિમલ સાથે જ ભાગીને લગ્ન કરી લઈશ. આપઘાત કરવાની કોશિશ પણ કરી હતી. મારી ઉંમર ઘટતી હતી અને હું સંસ્થામાં રહેતી હતી. પણ પરિવારે ધમકી આપી હતી કે, જે દિવસે તું બહાર નીકળીશ તે દિવસે તને મારી નાંખીશું. મારે એકનો એક દીકરો છે. છ મહિનાનો છોકરો લઈને હું ક્યાં જાવ. પ્રેમલગ્ન કર્યા છે એટલે આગળ પાછળ મારું કોઈ નથી. એ લોકોને હું એ કહું છું કે મારા છોકરાની દયા ન આવી.
પોલીસ તપાસમાં આરોપી કમલેશે મૃતક યુવાન સાથે બોલાચાલી કરી બાદમાં છાતીમાં તેમજ શરીરના અન્ય ભાગમાં 6થી 7 ઘા મારી હત્યા નિપજાવી હતી. હાલ આરોપી કમલેશની અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સાથે અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.