શહેરના મવડી વિસ્તારમાં સાસરીયે ધસી આવી જમાઇએ સાસુને છરીનો ઘા ઝીંકો દીધો હતો. પ્રેમલગ્ન કરનાર પત્ની માવતરે રિસમાણે ચાલી જતા જમાઇએ ઉશ્કેરાઇ સાસરીયાના ઘરે આવી ધમાલ મચાવી હુમલો કર્યો હતો. જે અંગે પત્નીની ફરિયાદ પરથી પતિ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
મવડી વિસ્તારમાં ચંદ્રેશનગર મેઈન રોડ પર અમરનગર-2 શેરી નં -7 માં માવતરે રહેતી પરિણીતા ઈશીતાબેન ચેતનભાઈ પરમાર(ઉ.વ.૨૨) એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ ચેતન નરેશભાઈ પરમાર (રહે. રૈયા ગામ, શાળા નં.-89 સામે, રાજકોટ)નું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા તેણે ચેતન પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદથી તે ચેતન સાથે તેના ઘરે રહેતી હતી. સાત મહીનાથી તે માતાના ઘરે જતી હોય તથા ફોન પર વાતચીત કરતી હોય જે બાબતે ચેતન અવાર નવાર રોકટોક કરતો હતો. જેથી ગઇ તા.૧૨/૧૦/૨૦૨૬ ના રોજ સાંજના સાત વાગ્યે એકલી ચેતનના ઘરેથી મારા માતાના ઘરે આવી ગઇ હતી. બાદ તે દીવસે રાત્રીના આઠ વાગ્યે તે માતાના ઘરે હતી ત્યારે ચેતનનો મને ફોન આવ્યો હતો કે, તું કેમ મને પુછ્યા વગર ત્યા જતી રહી ? તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ ફોન કાપી નાખ્યો હતો. બાદ તા. ૧૩/૧૦/૨૦૨૬ ના રોજ સાંજના સાત વાગ્યે તે તથા તેના માતા ઘરે હતા. ત્યારે ચેતન ત્યાં આવી બોલાચાલી - ઝગડો કરવા લાગ્યો હતો અને ગાળાગાળી કરી જતો રહ્યો હતો.
પરિણીતાએ જણાવ્યું હતું કે, તા.૧૫/૧૦/૨૦૨૬ ના રોજ વહેલી સવારના પાંચ વાગ્યા આસપાસ ચેતન ફરીથી માતાના ઘરે આવી તેની તેના માતા સાથે બોલાચાલી અને ઝગડો કરવાં લાગ્યો હતો. જેથી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. બાદ તે ત્યાથી જતો રહ્યો હતો. બાદ તા. ૧૭/૧૦/૨૦૨૬ ના રોજ સાંજના સાડા છ વાગ્યે ચેતન ફરીથી ઘરે આવ્યો હતો. જેથી માતાએ તેને અહીથી જતાં રહેવાનું કહેતા તેણે પોતાના પેન્ટના નેફામા રાખેલ છરી કાઢી મારી માતાને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધેલ હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ હતો. બનાવ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે.