BREAKING NEWS

જેતપુરમાં છુટાછેડા બાદ પણ પૂર્વ પતિ મહિલા વકીલને શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો

  • October 08, 2026 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં રહેતા મહિલા એડવોકેટને પૂર્વ પતિ છૂટાછેડા બાદ પણ શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી તેના અંગત પળોના ફોટા- વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં મહિલા વકીલ કોર્ટ મુદત માટે જતા હતા ત્યારે રસ્તામાં રોકી તેને ફડાકા મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો. જેથી અંતે મહિલા એડવોકેટે પૂર્વ પતિ વિરુદ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેતપુરમાં રહેતા 28 વર્ષીય મહિલા વકીલે પોતાના પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં તે સોશિયલ મીડિયા મારફત તેના સંપર્કમાં આવી હતી અને બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ થતાં વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ સુધી ઘરસંસાર વ્યવસ્થિત ચાલ્યા બાદ બંને વચ્ચે મતભેદ થતા ફેબ્રુઆરી 2026 માં છૂટાછેડા લઈ લીધા હતા.

છૂટાછેડા બાદ પણ પૂર્વ પતિ અવારનવાર મહિલાનો પીછો કરી તેને શારીરિક સંબંધ રાખવા માટે કહેતો હતો અને જો તું સંબંધ નહીં રાખે તો લગ્નજીવન દરમિયાનના અંગત પળોના વિડીયો તથા ફોટો તેની પાસે હોય તે વાયરલ કરવાની ધમકીઓ આપી મહિલાને હેરાન પરેશાન કરતો હતો.

દરમિયાન ગઈકાલે મહિલાને કોર્ટ મુદત માટે જવાનું હોય તેઓ અન્ય સ્ટાફ સાથે કારમાં જતા હતા. દરમિયાન જેતપુર ધોરાજી રોડ પર આવેલા પુલ પાસે પહોંચતા પૂર્વ પતિ એકટીવા લઈ કારને ઓવરટેક કરી એકટીવા કાર આગળ ઉભું રાખી દીધું હતું. જેથી કાર ઊભી રાખતા પૂર્વ પતિએ ઝઘડો શરૂ કર્યો હતો અને બાદમાં મહિલાને કાર બહાર ખેંચવાની કોશિશ કરી હતી. પરંતુ મહિલા બહાર ન નીકળતા તેને ગાલ પર તમાચો મારી દઇ તેના હાથમાં રહેલ રૂ. 31,000 ની કિંમતનો મોબાઇલ ફોન લૂંટી પૂર્વ પતિ નાસી ગયો હતો. જેથી આ અંગે મહિલાએ જનરક્ષક 112 માં કોલ કર્યો હતો અને બાદમાં આ સમગ્ર ઘટના અંગે પૂર્વ પતિ વિરુધ્ધ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની કલમ 126 (2), 127 (2), 309 (6), 75, 78(1), 351(2) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application