BREAKING NEWS

જામનગર: ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ, રોજીયા ગામના બાળકનું મોત,રિપોર્ટ બાકી

  • July 28, 2026 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ, રોજીયા ગામના બાળકનું મોત,રિપોર્ટ બાકી

મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો, બે બાળકો હજુ જી.જી.હોસ્પિટલમાં સારવારમાં

સારવાર અર્થે આવેલા એક વર્ષના બાળકે ગણતરીની કલાકોમાં દમ તોડી દીધો

હાલારમાં ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ તેને ગણતરીની કલાકોમાં દમ તોડી દીધો હતો. આ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ હવે આવશે. હજુ બે બાળક જી.જી.હોસ્૫િટલમાં સારવાર હેઠળ છે. બંનેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. 
​​​​​​​
જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળક મળી હાલારમાં સોમવાર સુધી ચાંદીપુરાના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન જામનગરની ૨ વર્ષની બાળકી,  લાંબા ગામના ૨ વર્ષના બાળક, કલ્યાણપુરના ૯ મહીનાના બાળક અને દેવભૂમિ દ્વારકામાં રહેતી ૬ વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા તમામ ચાર અને જામનગર તથા વસઇ આમરાના સારવારમાં રહેલા બંને બાળક મળી તમામ ૬ શંકસ્પદ કેસમાં ચાંદીપુરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.  ેઆટલું જ નહીં વસઇ આમરા અને જામનગરના બાળક કે જે જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય બંનેની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. જો કે, હજુ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા નથી.

બીજી બાજુ ગઇકાલે ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકને ભારે તાવ, આંચકી જેવા ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગણતરીની કલાકોમાં આ બાળકે દમ તોડી દીધો હતો. જો કે, બાળકના લોહીના સીરમ તથા અન્ય નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ બાળકને ચાંદીપુરા છે કે કેમ તે સ્પષ્ટ થશે. ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો ૭ પર તો બાળકનું મૃત્યુ થતાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વચ્ચે વધુ એક બાળકનું મૃત્યુ થતાં વાલીઓમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application