જામનગર: આર્મી ભરતી બોર્ડની ૩૦ દિવસની નિવાસી તાલીમ અંગેની અરજીની મુદ્દત તા.૧૭ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૬ દરમ્યાન આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવી છે, જે અંતગર્ત આર્મી ભરતી બોર્ડ જામનગર દ્વારા થનાર આર્મી ભરતી માટે રોજગાર કચેરી દ્વારા યુવાનો આર્મી ભરતીમાં પાસ થઈ તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટુંક સમયમાં કરવામાં આવશે.
આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક જામનગર જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર કચેરી જામનગરને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા.૨૯/૦૮/૨૦૨૬ સુધિમાં સ્વખર્ચે પોતાની સંમતી આપી જવા જણાવવામાં આવેલ હતું. જે મુદ્દતમાં વધારો કરી અરજી કરવા માટેની છેલ્લી તારીખ તારીખ: ૧૭/૦૯/૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. ઉમેદવારો આ તાલીમવર્ગ જામનગર ખાતે નિ:શુલ્ક (રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને ૧૦૦/- રુપિયા સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે) યોજવામાં આવશે આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.
૩૦ દિવસીય તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત ઘો.૧૦ અથવા ધો.૧૨ સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉંમર ૧૭.૫૦ થી ૨૩ વર્ષ, ઉંચાઈ ૧૬૮ સે.મી., વજન ૫૦ કિલોગ્રામ, છાતી ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. હોવી જોઈએ. તાલીમમાં શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો,પુલ અપ્સ અને લેખિત તાલીમ આપવામાં આવશે.
અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આર્મી લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. તેમ રોજગાર અધિકારીશ્રી એસ.બી. સાંડપાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.