વનસ્પતિશાસ્ત્રના શિક્ષણ, સંશોધન અને માર્ગદર્શન ક્ષેત્રે વર્ષોથી નોંધપાત્ર યોગદાન આપનાર ધ્રાફાના વતની ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાની પ્રતિષ્ઠિત સ્વામી દયાલ તિવારી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ તેમને ઇન્ડિયન બોટાનિકલ સોસાયટી દ્વારા આગામી ૪૯મી ઓલ ઈન્ડિયા બોટનિકલ કોન્ફરન્સ દરમિયાન ૧ થી ૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મૈસુરુ, કર્ણાટક ખાતે એનાયત કરવામાં આવશે.
સ્વામી દયાલ તિવારી પુરસ્કાર ખાસ કરીને ઇન્ડિયન બોટાનિકલ સોસાયટી સાથે સક્રિય રીતે સંકળાયેલા કોલેજ શિક્ષકોને તેમના વ્યાવસાયિક યોગદાન, વનસ્પતિશાસ્ત્ર તથા સંબંધિત વિષયોના ઉત્તમ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા વિકસાવવા માટેના તેમના નોંધપાત્ર કાર્ય બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે.
ડો. જાડેજા વિવિધ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાઓ અને સોસાયટીઓ સાથે પણ સંકળાયેલા રહ્યા છે. આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત વનસ્પતિશાસ્ત્રીય સંસ્થા દ્વારા સ્થાપિત સ્વામી દયાલ તિવારી પુરસ્કાર માટે ડો. ભૂપેન્દ્રસિંહ જાડેજાની પસંદગી થવી તેમના લાંબા સમયના શિક્ષણ, સંશોધન, વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને વનસ્પતિશાસ્ત્રના પ્રસાર-પ્રચાર ક્ષેત્રે કરેલા કાર્યની મહત્વપૂર્ણ માન્યતા છે.