જામનગર: કનસુમરા પાટિયા પાસે ટ્રકે હડફેટે લેતા બાઈકચાલકનું કમકમાટીભર્યું મોત
રાત્રીના ગમખ્વાર અકસ્માત સર્જાયો : ટોળા એકત્ર થયા : પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગરના કનસુમરા પાટિયા નજીક હાઈવે પર ગઇ રાત્રે આશરે ૮ વાગ્યાના અરસામાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ટ્રકની હડફેટે આવતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, અને ખોપરી ફાટી જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મૃતકનું નામ જીવણભાઈ પરબતભાઈ ગઢવી (ઉં.વ.૪૪) રહે. નીલકમલ સોસાયટી પાસે, જામનગર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી બી. ડિવિઝન નો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.