BREAKING NEWS

મહારાષ્ટ્રના વેપારીને જામનગરની બ્રાસ પેઢીને રૂ.૧૭.૫૫ લાખ ચૂકવવા આદેશ 

  • July 15, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના વેપારીને જામનગરની બ્રાસ પેઢીને રૂ.૧૭.૫૫ લાખ ચૂકવવા આદેશ 

જામનગરની કોમર્શિયલ કોર્ટે વ્યાપારી વિવાદોના ઝડપી નિકાલનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા માત્ર ૮ મહિના અને ૧૨ દિવસના રેકોર્ડ સમયમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો જાહેર કર્યો છે. પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ (કોમર્શિયલ કોર્ટ) એન. જી. પરમારે સ્થાનિક બ્રાસ ઉત્પાદક પેઢી ’ચેતના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ’ ની તરફેણમાં એકતરફી હુકમ કરીને મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના દિવા ખાતે આવેલી પ્રોપ્રાઇટરશિપ પેઢી ’મેસર્સ રોયલ ટ્રેડિંગ’ ને માલના બાકી નાણાં પેટે રૂ.૧૭,૫૫,૦૪૫/- વ્યાજ અને કોર્ટ ખર્ચ સાથે ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. વર્ષો સુધી લંબાતી કાનૂની લડતો વચ્ચે ૧ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નોંધાયેલા આ કેસનો ૧૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ આખરી નિકાલ કરીને અદાલતે ભારતીય ન્યાયતંત્રની સક્રિયતા સાબિત કરી છે.

આ કેસની ટૂંકી વિગત એવી છે કે ચેતના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપ્રાઇટર કાંતિલાલ હંસરાજ નકુમ પાસેથી મહારાષ્ટ્રના વેપારી સુરેશ ગોપાલ ક્રિષ્નને વર્ષ ૨૦૨૩ ના અંતમાં બ્રાસના સ્ક્રુ અને હોલ્ડર ખરીદવાના ઓર્ડર આપ્યા હતા. જામનગરની પેઢીએ ટેક્સ ઇન્વોઇસ અને રજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટ મારફતે માલ મોકલી આપ્યો હતો, જે સામેવાળી પેઢીએ કોઈપણ વાંધા વગર સ્વીકારી લીધો હતો. જોકે, ત્રણેય ઓર્ડર પૂરા થયા પછી પણ મહારાષ્ટ્રના વેપારીએ રૂ.૧૫,૭૫,૧૫૮/- ની મૂળ બાકી રકમ ચૂકવી ન હતી. સ્થાનિક પેઢી દ્વારા કાનૂની નોટિસ મોકલવા છતાં અને ફરજિયાત પ્રી-ઇન્સ્ટિટ્યુશન કોમર્શિયલ મેડિએશન માટે વોટ્સએપ પર મોકલેલી નોટિસ બ્લુ ટીક સાથે જોઈ હોવા છતાં, પ્રતિવાદી વેપારી પ્રક્રિયામાં હાજર રહ્યા ન હતા, જેને પગલે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નોન-સ્ટાર્ટર રિપોર્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. કોર્ટના સમન્સ બજવા છતાં પ્રતિવાદીએ તે ’અનક્લેઇમ્ડ’ પરત મોકલ્યા હતા અને કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હોવાથી અદાલતે વાદીની રજૂઆતના આધારે એકતરફી ચુકાદો આપ્યો હતો.

કોર્ટે વાદીનો દીવાની દાવો સંપૂર્ણપણે મંજૂર કરીને આદેશ કર્યો છે કે પ્રતિવાદી વેપારીએ કુલ રૂ.૧૭,૫૫,૦૪૫/- ચૂકવવાના રહેશે, જેમાં દાવો દાખલ કરવા સુધીનું વ્યાજ સામેલ છે. આ ઉપરાંત, દાવો દાખલ કર્યાની તારીખથી લઈને નાણાંની વાસ્તવિક વસૂલાત થાય ત્યાં સુધી વાર્ષિક ૬% ના દરે ભવિષ્યનું વ્યાજ તેમજ વાદી પેઢીએ ભરેલી કોર્ટ ફી (રૂ.૩૩,૫૫૦/-) અને મેડિએશન પ્રક્રિયાનો તમામ ખર્ચ પણ પ્રતિવાદી પાસેથી વસૂલવા પાત્ર રહેશે. આ મહત્વના કેસમાં ચેતના બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ વતી સિનીયર એડવોકેટ  મહેશ એ. તખ્તાણી અને મુખ્ય એડવોકેટ એસ. એમ. તખ્તાણીની આગેવાની હેઠળ ધારાશાસ્ત્રીઓ જીતેશ એમ. મહેતા, મનીષા પી. ભગવત, મુર્તુઝા એમ. મોદી, નિરાલી ગોસ્વામી, કિંજલ સોજીત્રા, રીના રાઠોડ અને પૂજા રાઠોડની ટીમે ધારદાર રજૂઆત કરી હતી. આ જટિલ પ્રક્રિયા અને સચોટ કાનૂની વ્યૂહરચનાનું સમગ્ર સંચાલન સંજના એમ. તખ્તાણી અને જીતેશ એમ. મહેતા દ્વારા અત્યંત કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેના પરિણામે સ્થાનિક ઉદ્યોગકારને સમયસર ન્યાય મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application