BREAKING NEWS

જામનગરમાં યુવાનની સરાજાહેર છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

  • July 04, 2026 11:51 AM 

જામનગરમાં યુવાનની સરાજાહેર છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

દુકાને છાસ લેવા ગયેલા યુવાન પર હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો : સારવારમાં દમ તોડયો

જામનગર શહેરમાં ખેતીવાડી વિસ્તારમાં ગઇ રાત્રીના એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડીઓ દોડી ગઇ હતી, હોસ્પીટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને મોડી રાત સુધી ધમધમાટ જોવા મળ્યો હતો, ટુંકાગાળામાં હત્યાની શહેરમાં બીજી ઘટના સામે આવી છે. બીજી બાજુ મોડેથી આ બનાવ અંગે એક શખ્સ સહિતના ઇસમો સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના આધાારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે.

જામનગરના ખેતીવાડી ન્યુ ઇન્દીરા કોલોની વિસ્તારમાં ગત રાત્રીના કરણ વાઘેલા નામના ૨૦ વર્ષના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા યુવાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડયો હતો, તાકીદે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો જો કે તેમનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો, પ્રાથમિક તપાસમાં ૩ શખ્સોએ હુમલો કર્યાનું બહાર આવ્યુ હતું, બનાવની જાણ થતા સીટી-સી ડીવીઝનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો તેમજ સીટી ડીવાયએસપી સહિતની ટુકડી હોસ્પીટલ ખાતે પહોચી હતી.

હોસ્પીટલ ખાતે લોકોના ટોળા જોવા મળ્યા હતા, બીજી બાજી હત્યાનો બનાવ સામે આવતા એલસીબી, સીટી-સી સહિતની પાંચ ટીમો દોડતી થઇ હતી શહેરમાં નાકાબંધી કરીને તપાસ આદરી હતી તેમજ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા અને આજુબાજુના સીસી કેમેરાના ફુટેજ ચકાસવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી, બનાવના કારણે ભારે ચકચાર મચી જવા પામી હતી.

દરમ્યાનમાં આ બનાવ અંગે મોડેથી શહેરના ન્યુ ઇન્દીરા કોલોની રોહીદાસ ચોક ખાતે રહેતા જયંતીભાઇ ટપુભાઇ વાઘેલા દ્વારા જીણો સુરેશ વરણ અને અજાણ્યા ઇસમો વિરુઘ્ધ સીટી-સી ડીવીઝનમાં બીએનએસ કલમ ૧૦૩(૧), ૫૪ તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

જેમા જણાવ્યુ હતું કે ફરીયાદીનો દીકરો કરણ વાઘેલા ગઇકાલે ઘરેથી છાસ લેવા માટે દુકાને ગયો હતો જયાં આરોપીઓ પૈકી જીણો અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ કોઇ કારણસર કરણ સાથે રકઝક અને બોલાચાલી કરી હતી દરમ્યાન આરોપી જીણોએ ઉશ્કેરાઇ જઇ છરીના આડેધડ ઘા કરણને ઝીંકી દઇ મોત નિપજાવી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હતી, આ ફરીયાદના આધારે સીટી-સી પીઆઇ ડાભી અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, ટુંકા ગાળામાં જામનગર શહેરમાં હત્યાની બીજી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application