જામનગરના વાતાવરણમાં પલટો ઝાપટા શરૂ: વાતવારણમાં ટાઢક
ખેડુતોને બંધાઇ આશા: ભાણવડ અને જામખંભાળીયા, જામજોધપુર સહિતના વિસ્તારોમાં ઝરમરઝરમર
જામનગરમાં આજે બપોરે ૧૧ વાગ્યે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને ઝાપટા શ થતા શહેરભરના વાતાવરણમાં ઠંડક થવા પામી હતી. છેલ્લા ઘણા દિવસથી શહેરના નભ પર મેઘાવી માહોલ જોવા મળી રહ્યો હતો. આજે બપોરે ઝાપટા શરૂ થતા શહેરીજનોમાં હાશની સાથે વરસાદની આશા બંધાઇ છે.
સમગ્ર રાજયમાં કચ્છ અને હાલારમાં ચોમાસુ અડધુ પુર્ણ થઇ ગયુ હોવા છતાં અન્ય જિલ્લાની સરખામણીમાં વરસાદ નહિંવત નોંધાયો છે. જેને લીધે ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડુતોનો પાક તથા ઢોર ઢાંખર માટે લીલા ચારાની સમસ્યા સર્જાઇ છે. સમગ્ર હાલારની વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ ઓખા મંડળમાં જામનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ મોટા ખડબામાં ફકત સવાઇંચ નોંધાયો છે જયારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકાના નવાગામમાં ૧૨ઇંચ વરસાદ પડયો છે.
કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૩૩.૫, લઘુતમ તાપમાન ૨૭ જયારે ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેવા પામ્યું છે. જયારે પવનની ગતિ ૩૫ થી ૪૦ની આસપાસ રહી છે. રવિવાર કરતા આજે સોમવારે તાપમાનમાં વધારો અને ભેજમાં ઘટાડો જોવા મળ્યો છે.
કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર રવિવારે મહતમ તાપમાન ૩૩ ડીગ્રી,જયારે લઘુતમ તાપમાન ૨૬.૫, ભેજનું પ્રમાણ ૮૨ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ રહી હતી.
શહેર જિલ્લા તથા સમગ્ર હાલારમાં વરસાદની કૃપા ન હોવાથી હાલમાં ભાણવડ સહિતના વિસ્તારોમાં ઘાસચારાની તંગી જોવા મળી રહી છે. ખેડુતો પણ વરસાદની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે. વાતાવરણ નિશ્ર્ચિત હોવાને કારણે શહેર તથા જિલ્લામાં તાવ, ઉધરસ, શરદીના કેેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આજે બપોરે જામનગર શહેરમાં વરસાદના આગમનથી શહેરીજનોમાં હર્ષની લાગણી વ્યાપી છે. ભાણવડ અને જામખંભાળીયા, જામજોધપુર સહિતના વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે.