હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૬:
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી જામખંભાળિયા શહેરનું વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
જામખંભાળિયાની પ્રાંત કચેરી ખાતેથી મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
પ્રાંત કચેરી ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં શહેરીજનોમાં જોવા મળ્યો રાષ્ટ્રભક્તિનો અદમ્ય જુસ્સો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં તા.૦૯થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ દેવભૂમિ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ રાષ્ટ્રભક્તિની ચેતનાને સ્ફૂર્તિ ભવ્ય તિરંગા યાત્રા સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સમય રાષ્ટ્ર માટે પોતાના જીવ આપવાનો નહીં પણ જીવવાનો સમય છે રાષ્ટ્રને વિકસિત કરવામાં આપણું યોગદાન આપવાનો સમય છે. રાષ્ટ્રભક્તિ માત્ર સરહદ પર રક્ષા કરતા સૈનિકો જ નહીં પણ આપણે સ્વચ્છતા જાળવી, પાણીનો સંયમિત ઉપયોગ કરી તેમજ આપણા સંસાધનો યોગ્ય ઉપયોગ કરી પણ રાષ્ટ્રને વિકસિત કરવા માટે યોગદાન આપી શકીએ છીએ.
આ તકે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ રાષ્ટ્રધ્વજ તિરંગાને આપણી શાન ગણાવતા કહ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ આપણી આન,બાન અને શાનની સાથે સાથે સાહસ અને ગૌરવનું પ્રતીક છે તેમ જણાવ્યું હતું.
સામાજિક અગ્રણી મયુરભાઈ ગઢવીએ જણાવ્યું કે, રાષ્ટ્રપ્રેમની ભાવના દરેક નાગરિકમાં જાગૃત થાય અને દેશની આઝાદીની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગનું મૂલ્ય આજની નવી પેઢી સમજે તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે.
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ‘હર ઘર તિરંગા અભિયાન હેઠળ આયોજિત ભવ્ય તિરંગા યાત્રાનું મહાનુભાવોએ પ્રાંત કચેરી,જામખંભાળિયા ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.
દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રા પ્રાંત કચેરીથી શરૂ થઈ જી.વી.જે હાઈસ્કૂલ, નગર ગેટ થઈ મહાપ્રભુજી બેઠક રોડ થઈ પ્રાંત કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર યાત્રાના રૂટ પર વંદે માતરમ, ભારત માતા કી જય સહિતના દેશભક્તિના ગીતોએ નાગરિકોમાં અનેરો ઉત્સાહ સ્ફૂર્યો હતો.
આ તિરંગા યાત્રા પૂર્વે રાજશક્તિ રાસ મંડળ, રાધે રાસ મંડળ તથા કૃષ્ણ કલાવૃંદ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
ડીજેના તાલે 'મેરી શાન તિરંગા', 'મેરા મુલ્ક મેરા દેશ', 'વંદેમાતરમ્', 'સારે જહાં સે અચ્છા', 'એ મેરે વતન કે લોગો' સહિતના ગીતોથી ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિનો માહોલ છવાયો હતો.
આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા, અગ્રણી કશ્યપભાઈ ડેર, શક્તિસિંહ જાડેજા, વનરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, રચનાબેન મોટાણી સહિત વિધાર્થીઓ, પોલીસ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક અગ્રણીઓ, પ્રબુધ્ધ નાગરિકો સહિત નગરજનો હર્ષભેર જોડાયા હતાં.