જામનગરની હોટલમાં અકસ્માતે લાગેલ આગની નુકસાની વળતરની રકમ ખર્ચ-વ્યાજ સહીત ચૂકવી આપવા હુકમ
ફરિયાદી નીકી નીતિનભાઈ પોપટએ લાઈમ ટ્રી હોટેલ અને રિસોર્ટસ એલએલપી નામથી ધંધો-વેપાર કરે છે તેઓએ તેઓની ઉપરોક્ત હોટલ માટે ટાટા એઆઈજી જનરલ ઇન્સ્યુરન્સ કંપની લીમીટેડ પાસેથી તેઓના ધંધાની સુરક્ષા માટે વિમા પોલીસી ખરીદ કરેલ,તેનું પ્રીમીયમ રૂ.૮,૬૫૪ ભરપાઈ કરી મેળવેલ. જે પોલીસીના સમયગાળા દરમ્યાન ફરિયાદીની ઉપરોક્ત હોટલમાં અકસ્માતે આગ લાગેલ અને ખુબજ નુકશાની થયેલ જે આગનાં અકસ્માતની જાણ ફરિયાદીએ આ કામના સામાવાળા વિમા કંપની, પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ જામનગર મહાનગર પાલિકાની ફાયર અને ઈમરજન્સી શાખા વિગેરેને જાણ કરેલી જે અંગેના તમામ દસ્તાવેજો ફરિયાદએ વીમા કંપનીને મોકલી આપેલ.
ફરિયાદીએ વીમા કંપનીને સદરહુ આગ અંગેના અકસ્માતની જાણ કરતા વીમા કંપની દ્વારા તેઓના સર્વેયર દ્વારા સર્વે કરાવવામાં આવેલ અને કલેઈમ રજુ કરવામાં આવેલ,ફરિયાદીએ ઉપરોક્ત અકસ્માતનો કલેઈમ રજુ કર્યા બાદ કલેઈમ મુજબની રકમ મેળવવા આ કામના સામાવાળા વીમા કંપનીના એજન્ટનો ફરિયાદીએ અનેકવાર ટેલીફોનીક તેમજ રૂબરૂ સંપર્ક કરેલ પરંતુ સામાવાળાના એજન્ટ દ્વારા ફરિયાદીનો કલેઈમ સેટલ કરવામાં સતત બેદરકારી દાખવેલ હોય અને જરૂરી સમય મર્યાદામાં સદર કલેઈમ સેટલ કરેલ નથી. ફરિયાદી દ્વારા વીમા કંપની સાથે થયેલ ઈ-મેઈલમાં વીમા કંપનીના જવાબદાર અધિકારી દ્વારા જણાવવામાં આવતા અમોએ સદર અકસ્માતમાં થયેલ નુકશાનીનું રીપેરીંગ ફરિયાદીના ખર્ચે કરાવેલ છે. ઉપરોક્ત નુકશાનીનું ફરિયાદીએ રીપેરીંગ કરાવેલ હોય જેનું કુલ ખર્ચ રૂ.૧૦,૫૧,૨૧૫ થયેલ હોય. પરંતુ આ કામના વીમા કંપની દ્વારા આજદિન સુધી ફરિયાદીને ઉપરોક્ત નુકશાની અંગેના કલેઈમની રકમ ચૂકવી આપેલ ના હોય અને આપવી જોઈતી સેવા આપેલ ના હોય ગંભીર સેવાકીય ખામી આચરેલ છે.
આ કામના સામાવાળા દ્વારા ફરિયાદીના કલેઈમ મુજબની રકમ વ્યાજબી સમય મર્યાદામાં ચૂકવી આપેલ ના હોય તેમજ અમોના કલેઈમ અંગે કોઈ જ જવાબ આપેલ ના હોય આથી, ફરિયાદીએ આ વીમા કંપનીને કલેઈમ મુજબની રકમ ચૂકવી આપવા ફરિયાદીના વકીલ મારફત રજી.પોસ્ટથી લીગલ નોટીસ પણ આપવામાં આવેલ જે નોટીસ વીમા કંપનીને બજી ગયેલ હોય તેમ છતાં વીમા કંપની દ્વારા આજદિન સુધી કલેઈમ મુજબની રકમ ચૂકવી આપેલ નથી કે લીગલ નોટીસનો જવાબ પણ આપેલ નથી. જેથી ફરિયાદી દ્વારા ધ ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ૨૦૧૯ હેઠળ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરિયાદ સેવાકીય ખામી અંગેની ફરિયાદ દાખલ કરેલ. જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ મારફત લેખિત તેમજ મૌખિક દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ તેમજ સ્ટેટ કમીશન, નેશનલ કમીશન તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલ ગ્રાહકની તરફેણના ચુકાદો રજુ કરવામાં આવેલ.
જે ચુકાદોને માન્ય રાખી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશન-જામનગરના પ્રમુખ પી.સી.રાવલ તથા મેમ્બરશ્રી જયશ્રીબેન મકવાણા દ્વારા ફરિયાદીની ફરિયાદ ખર્ચ સહીત મંજુર કરતો હુકમ કરવામાં આવેલ છે. જે હુકમ મુજબ વીમા કંપનીએ ફરિયાદીને રૂ.૪,૬૧,૬૭૧ ની રકમ ફરિયાદની તારીખથી વસુલ આપ્યા સુધી ૯ ટકા વ્યાજ સહીત સાથે માનસિક દુ:ખ-ત્રાસના તેમજ ફરિયાદ ખર્ચના રૂ.૫,૦૦૦ બે માસમાં ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે.આ કામના ફરિયાદી તરફે જામનગરના યુવા એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા રોકાયા હતા.