BREAKING NEWS

જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નેતા ઘનશ્યામભાઈ ગઢવીની અધ્યક્ષતામાં 'સંવિધાન ગૌરવ દિવસ' નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ

  • November 23, 2026 10:56 AM 

જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નેતા ઘનશ્યામભાઈ ગઢવીની અધ્યક્ષતામાં 'સંવિધાન ગૌરવ દિવસ' નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ

ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને બંધારણીય મૂલ્યોને સમર્પિત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા 'સંવિધાન ગૌરવ દિવસ - ૨૬ નવેમ્બર' અંતર્ગત આજે જિલ્લા કક્ષાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી દ્વારા પ્રેસ સંબોધવામાં આવી હતી.

આ પ્રસંગે પત્રકાર મિત્રોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા ભારતીય લોકશાહીના સૌથી ગૌરવપૂર્ણ દિવસ એવા બંધારણ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.  

'સંવિધાન ગૌરવ દિવસ'નો ઐતિહાસિક નિર્ણય:
પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે, ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ સ્વીકાર્યું હતું. અગાઉ ૧૯૭૯થી આ દિવસને 'કાનૂન દિવસ' તરીકે ઉજવવામાં આવતો હતો, પરંતુ વર્ષ ૨૦૧૫માં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ બંધારણના ઘડવૈયા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ૨૬ નવેમ્બરને 'સંવિધાન ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.  

બાબાસાહેબને સાચી શ્રદ્ધાંજલિ અને 'પંચતીર્થ'નો વિકાસ:

ભાજપના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના મૂલ્યો થકી દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ કર્યું છે. તેમના વિચારો કોઈ એક જ્ઞાતિ કે વર્ગ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સર્વસમાવેશક છે. મોદી સરકારે બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ મહત્વપૂર્ણ સ્થળો—મહૂ (જન્મભૂમિ), લંડન (શિક્ષણભૂમિ), નાગપુર (દીક્ષાભૂમિ), દિલ્હી (મહાપરિનિર્વાણ ભૂમિ) અને મુંબઈ (ચૈત્યભૂમિ)ને 'પંચતીર્થ' તરીકે વિકસાવ્યા છે. આ ઉપરાંત, દિલ્હીના ૨૬, અલીપુર રોડ ખાતે ભવ્ય રાષ્ટ્રીય સ્મારક, ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના અને ડિજિટલ પેમેન્ટ એપનું નામ 'BHIM' રાખીને તેમને સાચું સન્માન આપવામાં આવ્યું છે.

ઘનશ્યામભાઈ ગઢવીનો કોંગ્રેસની બેવડી નીતિ પર પ્રહાર: 
કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે, આજે બંધારણની નકલ હાથમાં લઈને ફરતી કોંગ્રેસના જ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહીની હત્યા કરી હતી. ૨૧ મહિનાની કટોકટી દરમિયાન નાગરિકોના મૂળભૂત અધિકારો છીનવી લેવાયા હતા અને મીડિયા પર સેન્સરશિપ લગાવી દેવામાં આવી હતી. ઐતિહાસિક તથ્યો ટાંકતા જણાવાયું કે કોંગ્રેસે બાબાસાહેબના જીવનકાળ દરમિયાન તેમને લોકસભામાં પહોંચતા રોકવા માટે તેમની સામે ઉમેદવાર ઊભા રાખી હરાવવાનું ષડયંત્ર રચ્યું હતું અને વર્ષો સુધી સત્તામાં રહ્યા છતાં તેમના વિચારોની અવગણના કરી હતી.  
​​​​​​​
'સબકા સાથ, સબકા વિકાસ' થકી વંચિતોનું સશક્તિકરણ મુદ્દે ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવીની એ વિશ્વાસ થી જણાવેલ કે,ભાજપ સરકારે બાબાસાહેબના સમાન તક અને સન્માનપૂર્ણ જીવનના સ્વપ્નને સાકાર કરવા 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના મંત્ર સાથે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા ગરીબ, વંચિત, શોષિત અને પછાત વર્ગોનું સશક્તિકરણ કરવામાં આવ્યું છે. સાથોસાથ, નવી શિક્ષણ નીતિ અને કૌશલ્ય વિકાસ થકી યુવાનો માટે પ્રગતિના દ્વાર ખોલવામાં આવ્યા છે. અંતમાં, સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી જી એ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીએ બંધારણના મૂળભૂત માળખા, લોકશાહી સંસ્થાઓ અને નાગરિકોના અધિકારોના રક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.  

આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ગુજરાત પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી, જિલ્લા અધ્યક્ષ ડૉ વિનોદભાઈ ભંડેરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ કાનાણી, કુમારપાળસિંહ રાણા, વિજય પરમાર, ચંદ્રગુપ્ત રાઠોડ, ભાજપ મીડિયા વિભાગ સહ ક્ન્વીનર નિકુલદાન ગઢવી ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટી, મીડિયા સેલ ક્ન્વીનર, ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application