શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરની શાળા નં-૩૧ ખાતે ‘સમરસ વિદ્યાસેતુ’ કાર્યક્રમ યોજાયો
જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ૨ દિવસમાં ૫૦૧ બાળકોએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો
ગુજરાતના વિકાસમાં ગુણવત્તાસભર શિક્ષણનું મહત્વપૂર્ણ યોગદાન : મંત્રી
જામનગર તા.૮ ઓગસ્ટ, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના દિગ્જામ સર્કલ, શાળા નં-૩૧ ખાતે સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળામાં પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા આ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મંત્રી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શરૂ થયેલા શિક્ષણલક્ષી અભિયાનોને આગળ વધારતા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “સમરસ વિદ્યા સેતુ અભિયાન” અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં શાળાથી વંચિત, ડ્રોપઆઉટ તેમજ રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે એક માસીય વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ જિલ્લાના દરેક બાળક સુધી શિક્ષણનો અધિકાર પહોંચે તથા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. શાળા પ્રવેશોત્સવ અને પુનઃ પ્રવેશોત્સવની શ્રેણીમાં હાથ ધરાયેલા આ અભિયાન અંતર્ગત જિલ્લામાં બાળકોને પુનઃ શાળામાં દાખલ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાતના વિકાસમાં ગુણવત્તાસભર શિક્ષણનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેથી દરેક બાળક બાલવાટિકાથી ઉચ્ચ અભ્યાસ સુધી શિક્ષણ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.
દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના સહિતની વિવિધ યોજનાઓ અમલમાં છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય અને પ્રોત્સાહન આપવામાં આવે છે.
અભિયાન અંતર્ગત સામાજિક અથવા આર્થિક કારણોસર શાળાથી દૂર રહેલા બાળકો માટે હોમ સ્કૂલિંગ તેમજ શૈક્ષણિક ગેપ ધરાવતા વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેઓ સરળતાથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે.
આ કામગીરીમાં આચાર્યો, શિક્ષકો, બીઆરસી-સીઆરસી કો-ઓર્ડિનેટરો, જિલ્લા શિક્ષણ તંત્ર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે..
સમરસ વિદ્યાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાથી વંચિત રહેલા તેમજ વિવિધ કારણોસર અભ્યાસ છોડનારા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે. આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ, જિલ્લા તંત્ર તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વ્યાપક સ્તરે સંપર્ક અને પ્રેરણાત્મક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની શાળાઓમાં બે દિવસમાં કુલ ૫૦૧ વિદ્યાર્થીઓએ પુનઃપ્રવેશ મેળવી શિક્ષણની નવી શરૂઆત કરી છે.
કાર્યક્રમમાં મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, સાશક પક્ષના નેતા અમર મોદી, નગર પ્રાથમિક શિક્ષક સંઘના ચેરમેન પરષોત્તમ કકનાણી, સાશનાધિકારી ફાલ્ગુની પટેલ, ચંદ્રકાંત ખાખરિયા, કોર્પોરેટરો, શાળાના શિક્ષકો, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.