રાજકોટમાંથી માતા-પુત્રનું કારમાં અપહરણ કરાયું હતું જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં ત્રંબા પાસેથી આરોપીઓને ઝડપી લઇ અપહ્યુત માતા-પુત્રને મુક્ત કરાવ્યાં હતાં. સાધુ વાસવાણી રોડ પર રહેતાં પ્રૌઢની પુત્રીના ધરાર પ્રેમી કૃણાલ નામના શખસે મિત્ર સાથે મળી કારસ્તાન કર્યું હતું. આ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર જનકપુરીના આવાસ ક્વાર્ટરમાં રહેતાં પ્રોઢ દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદમાં આરોપી તરીકે કૃણાલ અને ભરત નામના શખસોના નામ આપ્યા છે. જે અંગે યુનિવર્સિટી પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓના પરિવારમાં પત્નિ, પુત્ર અને દીકરી છે. તેમજ એક દીકરી જે શાપર વેરાવળ, તેનાથી નાની દીકરી ખાંભળા ગામ ધ્રાંગધ્રા અને એક પુત્રી અમદાવાદ ખાતે સાસરે છે. ફરીયાદી કે.કે.વી હોલ પાસે આવેલ બ્લીંકીટના સ્ટોરમા સીક્યુરીટી તરીકે નોકરી કરે છે.
દીકરીના અમદાવાદ લગ્ન કરાવી દીધા
ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તેઓ ટિફિન લઈ કે.કે.વી. હોલ પાસે આવેલ બ્લીંકીટના સ્ટોર ખાતે નોકરી પર જતો હતો ત્યારે અગાઉ પાડોશમાં રહેતો કુણાલ જેને દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની જાણ થતા દીકરીના અમદાવાદ લગ્ન કરાવી દીધેલા હતા. જેથી કૃણાલ તથા તેનો મિત્ર ભરત કૃણાલની સફેદ રંગની આર્ટીગા ગાડી લઈ તેમની પાછળ આવતા હતા. કૃણાલ ગાડી ચલાવતો હતો. જેથી તેઓ સાધુવાસવાણી રોડ ગંગોત્રી પાસે આવેલ મૈયાભાઈની ચાની હોટલે ઉભો રહી ગયેલો હતો. આરોપીઓ ફોવ્હીલર લઈ સામેની બાજુ ઉભેલા હતા. જેથી પ્રૌઢે પત્નીને ફોન કરેલો કે આપણો જુનો પાડોશી કૃણાલ તથા તેનો મીત્ર ભરત બંને તેની કાર લઈ મારી પાછળ પાછળ આવે છે.
દીકરીએ જણાવેલ કે, મમ્મી-ભાઈ બંને ઘરે આવેલા નથી
બાદમાં પત્ની મૈયાભાઈની હોટેલ ખાતે આવેલા અને બાદમા પાછળથી દીકરો પણ ત્યાં આવેલો હતો. થોડીવાર આરોપીઓ કાર લઈને જતા રહ્યા હતાં. જેથી પત્ની અરૂણાબેન તથા દીકરા નયનને હોટેલેથી ઘરે મોકલી દીધેલા હતા. તેઓ ત્યાથી બ્લીંકીટના સ્ટોર નોકરી પર જતો રહેલો હતો. બાદમા સવા નવેક વાગ્યે પત્નીને ફોન કરેલો હતો. પરંતુ પત્નીએ ફોન ઉપાડેલો નહી. જેથી ચિંતા થવા લાગતા ઘરે ગયેલો અને દીકરીને પુછેલ કે, તારી માતા તથા ભાઈ ક્યાં છે, તો દીકરીએ જણાવેલ કે, મમ્મી-ભાઈ બંને ઘરે આવેલા નથી.
ફરીયાદી મૈયાભાઈની હોટલની આજુબાજુમા તપાસ કરવા માટે ગયેલ તેઓ મળી આવેલ નહી, જેથી જનકપુરીના ક્વાટરની બાજુમા આવેલ મહાદેવના મંદીર પાસે જતા એક અજાણ્યા ભાઈને પુછતા તેઓએ વાત કરેલ કે, એક એર્ટીગા કારમાં એક બહેન તથા છોકરાને બળજબરીથી બે વ્યકિતઓ ગાડીમા બેસાડીને લઈ ગયેલ છે, તેવું જાણવા મળતા આ કૃણાલને ફરીયાદીની દીકરી સાથે લગ્ન કરવા હોય અને દીકરીના લગ્ન કરાવવા ન હોય અને તેણીના લગ્ન અમદાવાદ ખાતે કરાવેલ હોય જે કૃણાલને પસંદ ન આવતા પત્નિ (ઉ.વ. ૪૫) તથા મારો દિકરો (ઉ.વ.૧૪) ને આરોપી કુણાલ તથા ભરત બંને બળજબરીથી ગાડીમા બેસાડીને અપહરણ કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
ભાવનગર રોડ પરથી આરોપીઓને આંતરી અપહ્યુતને મુક્ત કરાવ્યાં
બનાવ અંગેની ફરીયાદ પરથી યુર્નિવસિટી પોલીસે ગુનો નોંધી પીઆઈ એચ.એન. પટેલની રાહબરીમાં પીએસઆઈ વિક્રમ ડોડીયા અને ટીમે તુરંત તપાસ હાથ ધરી કારનો પીછો કરી ભાવનગર રોડ પર ત્રાંબા નજીકથી આર્ટીગા કાર મળી આવી હતી. જો કે, તેમાં આરોપી કે અપહ્યુત મળી આવ્યા ન હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કાર બદલાવી પરત રાજકોટ તરફ ભાગ્યાં છે, ત્યારે ફરી પોલીસે તેનો પીછો કરતાં ભાવનગર રોડ પરથી આરોપીને આંતરી અપહ્યુતને મુક્ત કરાવ્યાં હતાં. પોલીસે આરોપી કૃણાલ માલા મિઠાર (ઉં.વ.૨૯, રહે. સાધુવાસવાની રોડ આવાસ ક્વાર્ટર રાજકોટ, મૂળ ગામ જોરડા, ગઢડા) અને ભરત જીવા કળોતરા (ઉ.વ.૩૦, રહે.માન સરોવરના ઢાળીયા પાસે આજીડેમ, મૂળ ગામ - ભંડારીયા, જસદણ) ને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
અપહરણમાં મદદગારી કરનાર અન્ય બે આરોપી ઝડપાયા, એકની શોધખોળ
સાધુ વાસવાણી રોડ પરથી માતા પુત્રનું અપહરણ કરવાના બનાવમાં યુનિવર્સિટી પોલીસે મુખ્ય બે સૂત્રધારને પકડી માતા-પુત્રને મુક્ત કરાવ્યાં હતાં. આ ગુનામાં મદદગારી કરનાર અલ્પેશ રમેશ ચાવડા (ઉ.વ.૨૦), ધંધો ટાઇલ્સના કારખાનામાં મજૂરી, રહે. ગામ માટેલ, વાંકાનેર મૂળ ગામ- ખડોસણ, ભાભર અને જયદીપ મહેશ લીંબાસીયા (ઉ.વ.૨૪, ધંધો-મજુરી(ટ્રાન્સપોર્ટમાં), રહે. કોઠારીયા રોડ, ન્યુ સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, મૂળ ગામ- ભાડલા, જસદણની ધરપકડ કરી હતી. જ્યારે નાગરાજ નામનો શખસ પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે.