BREAKING NEWS

જામનગર: જામજોધપુરમાં ઉઘરાણીના વિવાદમાં ગેરેજવાળા પર હિંચકારો હુમલો

  • July 22, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુરમાં ઉઘરાણીના વિવાદમાં ગેરેજવાળા પર હિંચકારો હુમલો

પાઇપ, લાકડી, છરી વડે ઇજા કર્યાની ત્રણ સામે રાવ 

જામજોધપુરમાં યુવાને રૂ. ૧૦ હજાર ઉછીના લીધા હતા જે રકમ આપી દેવા છતા વારંવાર ઉઘરાણી કરી ધમકી આપવામાં આવી હતી દરમ્યાન બે દિવસ પહેલા યુવાનને ઉઘરાણીના વિવાદના મામલે હથિયારો વડે હુમલો કરી ઇજા પહોચાડી હોવાની ૩ સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામજોધપુરના રબારીપાડાના નાકા પાસે રહેતા અને ગેરેજના ધંધાર્થી રિયાઝ ઉર્ફે રીઝવાન હુશેનભાઇ બ્લોચ (ઉ.વ.૩૧)એ આશરે છ-સાત મહિના અગાઉ પુષ્પરાજસિંહ પાસેથી રૂપિયા ૧૦ હજાર લીધા હતા, જે બાદમાં પરત ચૂકવી દીધા હોવા છતાં પુષ્પરાજસિંહ વારંવાર ઉઘરાણી કરતો હતો અને છેલ્લા કેટલાક દિવસથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાના દિવસે રાત્રે ફરિયાદી મોટરસાયકલમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રજવાડી હોટલ નજીક પુષ્પરાજસિંહ અને સત્યજીતસિંહે તેમને રોકી પૈસાની માંગણી કરી હતી. બોલાચાલી દરમિયાન પાર્થરાજસિંહ ઉર્ફે લાલો પણ લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણેયે મળીને લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પુષ્પરાજસિંહે છરી વડે ઘા મારવાનો પ્રયાસ કરતાં બચાવમાં હાથ આડો રાખતા ડાબા હાથની વચલી આંગળીમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત માથા, છાતી અને પગના ભાગે પણ ઇજાઓ થઈ હતી.

ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેમણે ઉપરોકત વિગતો મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા પુષ્પરાજસિંહ, સત્યજીતસિંહ અને પાર્થરાજસિંહ ઉર્ફે લાલો રહે. બધા જામજોધપુર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application