જામનગર: પોરબંદર-રાજકોટ લોકલ ટ્રેન શરૂ કરવા માંગ
વાયા ભાણવડ-જામનગર લોકલ ટ્રેન કોરોના કાળમાં બંધ કરાઇ હતી
ભાવનગર રેલ ડીવીઝન દ્વારા કોરોનાં કાળ વખતે બંધ કરાયેલ સવારની પોરબંદર રાજકોટ વાયા ભાણવડ, જામનગર, હાપા લોકલ ટ્રેઈનને આજદીન સુધી શરૂ નહી કરાતાં ભાણવડ સહીતની મુસાફર જનતામાં રોષની લાગણી ફેલાઈ છે.
ભાવનગર રેલ્વે ડીવીઝન દ્વારા ભાણવડ પંથકને અન્યાય કરાઈ રહ્યાંનો રાવ થઈ રહી છે, અત્રેનાં રેલ્વે સ્ટેશનને સુવિધા સાથેનું તો રેલ તંત્રે બનાવ્યું છે, પરંતુ બંધ પડેલ ટ્રેઈનને શરૂ કરાતી નથી, ખાસ કરીને પોરબંદર થી સવારે સાત કલાકે ઉપડતી પેસેંજર રાજકોટ લોકલ ટ્રેઈન વાયા ભાણવડ, લાલપુર, જામનગર કોરોનાં વખતે બંધ થઈ છે, પરંતુ ત્યાર પછી આ લોકલ ટ્રેઈન આજદીન સુધી શરૂ થઈ નથી.
ઉક્ત લોકલ ટ્રેઈન ભાણવડ માટે ખુબજ ઉપયોગી અને અનુકુળ હતી, બિમાર દર્દીઓ, અપડાઉન કરતાં કર્મચારીઓ અને આમજનતાને જામનગર તેમજ રાજકોટ જવા માટે લાભ મેળવી રહ્યાં હતા, વળી લોકલ ટ્રેઈન હોવાથી ટ્રાફીક પણ સારો હતો અને રેલ્વેને ઈનકમ પણ સારી મળતી હતી, આમ છતાં આ ટ્રેઈનને શ કરવામાં રેલ તંત્ર અખાડા કરતું હોવાથી સેંકડો મુસાફરોને પારાવાર તકલીફ થઈ છે.
ભાણવડ વિસ્તારમાં જોવા લાયક સ્થળો જેવાં કે બરડો જંગલ સફારી, કીલેશ્વર મહાદેવ મંદિર, ભાણવડની વીર માંગડાવાળાની જગ્યા, પાંડવોનાં વખતના ઈન્દ્રેશ્વર મંદિર રાણપર પાસે ધીંગેશ્વર મંદિર, હાથલાં પાસે વિખ્યાત શનીદેવ મંદિર હોવાથી લોકોની ભીડ રહેતી હોય છે, આ માટે રેલ્વે તંત્રે ટ્રેઈનની સુવિધા વધારવી જોઈએ, પરંતુ રેલ તંત્રનું આ બાબતે ઉદાસીન વલણ રહેવાથી લોકોમાં ટીકાને પાત્ર બન્યું છે.