BREAKING NEWS

દ્વારકાનગરી સ્થાપના પૂર્વેનું પ્રાચીન ધીંગેશ્ર્વર મહાદેવ મંદિર

  • September 02, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાનગરી સ્થાપના પૂર્વેનું પ્રાચીન ધીંગેશ્ર્વર મહાદેવ મંદિર

યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી અનેક ધાર્મિક પરંપરાઓ અને પ્રાચીન શિવાલય આજે પણ આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલું શ્રી ધીંગેશ્વર મહાદેવ મંદિર દ્વારકાના પ્રાચીન શિવધામોમાં આગવું સ્થાન ધરાવે છે.

ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા નગરી વસાવી તે પૂર્વે જ ઈન્દ્રેશ્વર મહાદેવ, ધીંગેશ્વર મહાદેવ અને ભીડભંજન મહાદેવની સ્થાપના એકસાથે થઈ હોવાનું શાસ્ત્રોક્ત કથનોમાં ઉલ્લેખાય છે. જેના કારણે ધીંગેશ્વર મહાદેવ મંદિરને દ્વારકાના પૌરાણિક ધાર્મિક વારસા સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થળ માનવામાં આવે છે.

મંદિરની વિશેષતા એ છે કે અહીં એક જ સ્થાન પર બે શિવલિંગના દર્શન થાય છે. તેમાં ધીંગેશ્વર મહાદેવ અને રામેશ્વર મહાદેવ બિરાજમાન છે. શિવજીના ગણ તરીકે પૂજાતા ભૈરવજીની ડેરી પણ મંદિર પરિસરમાં આવેલી છે. સાથે જ અહીં પંચમુખી હનુમાનજી અને ગણપતિજીના મંદિરો પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતા આ મંદિરનો આશરે અઢી દાયકા અગાઉ ભક્તો દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આશરે પાંચ વર્ષ પહેલાં મંદિરનું આધુનિક પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. હાલ મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણ સાથે પ્રાચીન આસ્થાની પરંપરા પણ જળવાઈ રહી છે.

દ્વારકાની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ માટે દ્વારકાધીશ મંદિર ઉપરાંત શહેરના પ્રાચીન શિવાલયોની મુલાકાત પણ ધાર્મિક અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે. તેમાં સ્ટેશન રોડ પર બિરાજતા શ્રી ધીંગેશ્વર મહાદેવ મંદિરનો પણ વિશેષ સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application