BREAKING NEWS

જામ્યુકોમાં સ્વચ્છતા અભિયાન, શાખાઓમાંથી બિનજરૂરી સામાનના નિકાલની કમિશ્ર્નરની સૂચના

  • July 21, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોમાં સ્વચ્છતા અભિયાન, શાખાઓમાંથી બિનજરૂ​​​​​​​રી સામાનના નિકાલની કમિશ્ર્નરની સૂચના 

સ્તુત્ય પગલું: તૂટેલા ટેબલ, ખુરશી, લોખંડના કબાટ, સાદા લાકડા, એલ્યુમીનીયમ, ગેલ્વેનાઇઝ, ઇલેકટ્રીક સહીતનો ભંગાર દૂર કરવા અધિકારીઓને તાકીદ

શહેરમાં વરસાદી પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તે રીતે ઇમારતોનું બાંધકામ કરવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો અંગે આર્કીટેકટ-બિલ્ડરો સાથે ચર્ચા
 
જામનગર મહાનગરપાલીકાના કમિશ્ર્નરે મનપાની ઇમારતમાં સ્વચ્છતા જાળવવા સ્તુત્ય પગલું ભર્યું છે. કારણ કે, તેમણે મનપાની તમામ શાખાઓમાંથી બિનજરૂરી સામાનનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી છે. જેમાં તૂટેલા ટેબલ, ખુરશી, લોખંડના કબાટ, સાદા લાકડા, એલ્યુમીનીયમ, ગેલ્વેનાઇઝ, ઇલેકટ્રીક સહીતના ભંગારનો સમાવેશ થાય છે. તદઉપરાંત આર્કીટેકટ અને બિલ્ડરો સાથેની મીટીંગમાં શહેરમાં વરસાદી પાણીનો વધુને વધુ સંગ્રહ થાય તે રીતે ઇમારતોનું બાંધકામ કરવા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમોની અમલવારી અંગે ચર્ચા-વિચારણા કરી આ બંને મહત્વના મુદા પર ખાસ ભાર મૂકયો છે. 

જામનગર મહાનગરપાલીકાના કમિશ્ર્નર દીપેશ કેડીયાએ ચાર્જ સંભાળ્યા બાદ શહેરીજનો જે સમસ્યાનો ઘણાં સમયથી સામનો કરી રહ્યા છે તેનું ઝડપથી નિરાકરણ થાય તે માટે કમર કસી છે. તેનું એક જીવંત ઉદાહરણ રંગમતી અને નાગમતી નદી તથા વરસાદી પાણીના નિકાલની કેનાલોની પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત કરવામાં આવેલી સફાઇ છે. આટલું જ નહીં શહેરમાં લોક સુખાકારી અને જન આરોગ્યની સલામતી માટે ખાસ ઝુંબેશ શરૂ​​​​​​​ કરી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની દુકાનો, રેંકડીઓમાં ચેકીંગ કરવાના આદેશ કરતા ફુડ શાખા દ્વારા વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા ૮૦૦થી વધુ નાના-મોટા એકમોને નોટીસો ફટકારી દંડની કાર્યવાહી પણ ચાલી રહી છે. ત્યારે કમિશ્ર્નર દ્વારા મહાનગરપાલીકામાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આજકાલ સાથેની વાતચીતમાં કમિશ્ર્નર દીપેશ કેડીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલીકાની તમામ શાખાઓમાંથી બિનજ‚રી સામાન, ભંગાર દૂર કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત શાખાઓમાં તૂટેલા ટેબલ, ખુરશી, લોખંડના કબાટ, રીવોલ્વીંગ ચેર, સાદા લાકડા, એલ્યુમીનીયમનો ભંગાર, ગેલ્વેનાઇઝ ભંગાર, પીતળનો ભંગાર, પ્લાસ્ટીકનો ભંગાર, એક્રેલીક, ઇલેકટ્રોનીક ભંગાર, જુના ટાયર અને ટયુબ, વર્તમાન પત્રો સહીતનો ભંગારનો પાંચ દીવસમાં નિકાલ કરવાની સંબધિત શાખાઓના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તદઉપરાંત તાજેતરમાં કમિશ્ર્નરે શહેરના બિલ્ડરો અને આર્કીટેકટો સાથે મીટીંગ કરી હતી. જેમાં શહેરમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ એટલે કે વોટર હાર્વેસ્ટીંગ થાય તે પ્રકારે ઇમારતોનું બાંધકામ કરવા જણાવામાં આવ્યું હોવાનું કમિશ્ર્નરે કહ્યું હતું. તદઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમોની અમલવારી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હોવાનું કમિશ્ર્નનરે ઉમેર્યું હતું. શહેરની સાથે મહાનગરપાલીકામાં સ્વચ્છતા અભિયાનનું કમિશ્ર્નરનું પગલું ખરેખર આવકારદાયક છે. અત્રે નોંધનીય છે કે, કમિશ્ર્નર દ્રારા વોર્ડ વાઇઝ મુલાકાત અને સ્થળ નિરીક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત  લોકો કયાં કયાં પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે તેની સમીક્ષા હાથ ધરી તેના ઉકેલ માટે પ્રયાસો કમિશ્ર્નર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application