છોટીકાશી જામનગરમાં ગઇકાલે અમાસના પવિત્ર શ્રાવણ મહીનાની પૂર્ણાહુતી થઇ હતી. ભાવીકો શીવભકિતમાં લીન બન્યા હતા અને એકટાણા, ઉપવાસ સહીતના વ્રત કરી ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.
ભકતોએ શિવાલયોમાં બિલ્વપત્ર, દૂધ, જળ સહીતની સામગ્રીઓ દ્વારા શીવલીંગનો અભિષેક કરી ભગવાન આશુતોષની ભકિત કરી હતી.શુક્રવારે અમાસના શ્રાવણ મહીનાની પૂર્ણાહુતિ પ્રસંગે શહેરના પ્રાચીન સિઘ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ, નાગેશ્ર્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ સહીત અન્ય શિવમંદીરોમાં દેવાધિદેવ મહાદેવને અનેરા અને અદભૂમ શણગાર કરવામાં આવ્યા હતાં. જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવીકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળામાં અમાસના રાત્રીના જનમેદની ઉમટી પડતા હૈયૈ હૈયું દળાયું હતું. અમાસના બાલાચડીના દરિયાકાંઠે લોકોએ પિતૃ તર્પણ અને સ્નાન કરી પુણ્યનું ભાથું બાંઘ્યું હતું.