BREAKING NEWS

કાલે દિપાવલી, મંગળવારે નૂતન વર્ષ: જામનગરમાં ચોમેર ઉત્સાહ

  • November 07, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલે દિપાવલી, મંગળવારે નૂતન વર્ષ: જામનગરમાં ચોમેર ઉત્સાહ

ગૃહઉપયોગી સહિતની ચીજવસ્તુઓની પણ ધૂમ ખરીદી નીકળતા વેપારીઓ ખુશખુશાલ

દિવાળીની ખરીદીનો ભારે ઉત્સાહ: બર્ધનચોક સહિતની બજારોમાં માનવ મહેરામણ, સોના-ચાંદીથી માંડીને નવા વાહનોની ખરીદીમાં તેજી

જામનગરમાં વર્ષના સૌથી મોટા એટલે દિવાળી પર્વની ઉજવણીની તૈયારીઓ ધામધૂમપૂર્વક થઇ રહી છે, લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, પ્રકારના પર્વ દિવાળીની ઉજવણી માટે બજારો, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, ઘરોમાં સાફસફાઇ, રંગરોગાન, રંગોળી, દીવડા અને ઝળહળાટ રોશનીથી સજાવટ કરવામાં આવી છે, છેલ્લા ર દિવસથી દિવાળીની ખરીદી જોરશોરથી લોકો કરી રહ્યા છે, થોડા દિવસ પહેલા જ વેપારીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, ગત વર્ષ કરતા આ દિવાળી થોડીક નબળી જશે, પરંતુ છેલ્લા દિવસમાં વ્યાપાર ખૂબ જોરશોરથી થઇ રહ્યો છે, વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

દિવાળીના પાવન પર્વના પ્રારંભ સાથે જ જામનગર શહેરમાં ધનતેરસના શુભ દિવસે ખરીદીનો માહોલ જામી ઊઠ્યો હતો. શુકનવંતી ખરીદીનું વિશેષ મહત્ત્વ ધરાવતા ધનતેરસના પર્વે શહેરીજનો મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી પડ્યા હતા. સવારથી શ‚ થયેલી ખરીદીની ધમધમાટ મોડી રાત સુધી જળવાઈ રહી હતી અને શહેરની તમામ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ધનતેરસના પર્વે લોકોએ સોના-ચાંદીના દાગીના, લક્ષ્મીપૂજન માટેની સાવરણી, હળદર, પૂજાપાની સામગ્રી તેમજ વિવિધ ગૃહઉપયોગી વસ્તુઓની ઉત્સાહભેર ખરીદી કરી હતી. આ ઉપરાંત અનેક પરિવારો દ્વારા ધનતેરસના શુભ મુહૂર્તમાં નવાં વાહનોની ખરીદી પણ કરવામાં આવી હતી.

શહેરના હાર્દસમા બર્ધનચોક, ચાંદીબજાર, ગ્રેઇન માર્કેટ, સુપર માર્કેટ, માંડવી ટાવર, રણજિત રોડ અને સેન્ટ્રલ બેંક રોડ સહિતના વિસ્તારોમાં ગ્રાહકોની ભારે અવરજવરથી બજારો ધમધમી ઊઠી હતી. કીડીયારાની જેમ ઉમટેલા લોકોના ટોળાં અને બજારોમાં થયેલી રોનકથી સમગ્ર શહેરમાં દિવાળીના ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.

છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહેલા સ્થાનિક વેપારીઓને ધનતેરસના દિવસે સારી ઘરાકી નીકળતાં રાહત સાથે ખુશીનો અનુભવ થયો હતો. સોના-ચાંદીના જ્વેલર્સથી માંડીને નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓ સુધીના ધંધાર્થીઓમાં વેપાર વધતાં આનંદની લાગણી જોવા મળી હતી. મોડી રાત સુધી બજારોમાં ખરીદીની ચહલપહલ અને રોશનીના ઝળહળાટ વચ્ચે ધનતેરસના પર્વે જામનગરના વેપાર-ધંધામાં નવો ઉત્સાહ સંચાર્યો હતો.


ધનતેરસના દિવસે બજારોમાં જોવા મળેલી આ રોનક આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન પણ વેપાર-ધંધાને વધુ વેગ મળશે તેવી આશા જગાવી રહી છે.

આવતીકાલે દિવાળીના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવશે, કાલે લોકો પોતાના ઘરોમાં દીવડા પ્રગટાવીને માતા લક્ષ્મીજીનું પૂજન કરશે અને સુખ, સમૃઘ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરશે, વેપારીઓ દ્વારા પણ પરંપરા મુજબ ચોપડા પૂજન કરવામાં આવશે, તેમજ પરિવારજનો સાથે મીઠાઇ અને ફરસાણની આપ-લે કરી તહેવારોની ખુશીઓ વહેચવામાં આવશે. 

ત્યારબાદ સોમવારે ધોકોના પર્વની ઉજવણી કરવામાં આવશે, તેમજ મંગળવારે ગુજરાતી નૂતન વર્ષ એટલે કે બેસતા વર્ષનો પ્રારંભ થશે, નવા વર્ષની શ‚આત નિમિતે લોકો વ્હેલી સવારથી મંદિરોમાં દર્શન કરવા જશે અને ભગવાનના આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભ શ‚આત કરશે, તેમજ નવા વર્ષના દિવસે લોકો એકબીજાને વર્ષની શુભેચ્છાઓ પાઠવશે તેમજ સગા સંબંધીઓ મિત્રો અને પરિચિતો ઘરે રામ રામ કરી શુભકામનાઓ પાઠવી પરંપરા નિભાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application