સલાયામાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સામે કારોબારી ચેરમેને ઉઠાવ્યા સવાલો
તકનીકી ખામીઓ અને કામગીરીની ગુણવત્તા અંગે તપાસની માંગ સાથે નિયમ મુજબ કામગીરી ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવાની રજૂઆત
સલાયા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજના UGD-IIની કામગીરી સામે નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈરફાન અબાસ ભાયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યોજનાની કામગીરીમાં પારદર્શિતા જળવાય, સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને નિયમો તથા મંજૂર ટેકનિકલ માપદંડો અનુસાર જ કામગીરી કરવામાં આવે તે હેતુથી તેમણે કામગીરી અંગે વાંધાઓ રજૂ કરી યોગ્ય તપાસની માંગ કરી છે.
કારોબારી ચેરમેન ઈરફાન અબાસ ભાયાની પહેલથી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા UGD-II યોજનાની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન નગરપાલિકાના મુખ્ય અધિકારી, GUDCના ઇજનેર તથા મીડિયાની હાજરીમાં કામગીરીને લગતા અનેક તકનીકી સવાલો રજૂ કરવામાં આવ્યા હતા.
ખાસ કરીને મંજૂર GFC નકશો, પાઇપની ગુણવત્તાનાં પ્રમાણપત્રો, સાઇટ રજિસ્ટર, મેનહોલના લેવલ, અંદાજિત ૮૦૦ મીટરની કામગીરીની માપણી તથા કામગીરીના પ્રમાણિત રેકોર્ડ રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. કારોબારી ચેરમેન ઈરફાન અબાસ ભાયાએ સવાલ ઉઠાવ્યો હતો કે કામગીરી કયા મંજૂર નકશા પ્રમાણે કરવામાં આવી રહી છે? પાઇપ અને અન્ય સામગ્રીની ગુણવત્તાની ચકાસણી કયા આધારે કરવામાં આવી છે? અત્યાર સુધી કેટલા મીટરની કામગીરી પૂર્ણ થઈ છે? તેમજ કયા રેકોર્ડ અને માપણીના આધારે કોન્ટ્રાક્ટરના બિલ પ્રમાણિત કરવામાં આવી રહ્યાં છે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, UGD-II જેવી મહત્વપૂર્ણ જાહેર સુવિધાની કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે નિયમોની અવગણના ચલાવી શકાય નહીં.GUDC, Rodic PMC, સંબંધિત ઇજનેરો અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થવી જોઈએ.
આથી કારોબારી ચેરમેન ઈરફાન અબાસ ભાયાએ માંગણી કરી છે કે જ્યાં સુધી કામગીરીની યોગ્ય તકનીકી તપાસ ન થાય, મંજૂર નકશા મુજબ કામગીરી થતી હોવાની ખાતરી ન મળે અને જરૂરી દસ્તાવેજો રજૂ ન કરવામાં આવે ત્યાં સુધી વિવાદિત કામગીરી બંધ રાખવામાં આવે તથા ત્યારબાદ તમામ નિયમો અને તકનીકી માપદંડો અનુસાર જ કામગીરી આગળ વધારવામાં આવે, સાથે જ સમગ્ર UGD-II યોજનાની સ્વતંત્ર તકનીકી તપાસ કરાવી, કામગીરીની ગુણવત્તા, માપણી, વપરાયેલી સામગ્રી અને બિલોની ચકાસણી કરવામાં આવે તથા જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ પાસેથી લેખિત ખુલાસો મેળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સલાયાના નાગરિકોને ગુણવત્તાયુક્ત ભૂગર્ભ ગટર સુવિધા મળે અને જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે માટે આ સમગ્ર મામલે પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવી જરૂરી છે.