જામનગરના હાપા રેલવે કોલોની વિસ્તારમાં રવિચંદ્ર કોટાઈ નામના યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવના કારણે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, પોલીસ દ્વારા પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં પીએમ રૂમ ખાતે મૃતકના પરિવારજનો અને સબંધીઓ દોડી ગયા હતા, રેલ્વેમાં નોકરી કરતા યુવાને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યા બાદ ઉપરી અધિકારીઓના ત્રાસથી પગલુ ભર્યાનો ગંભીર આક્ષેપ મૃતકના બનેવી દ્વારા મિડીયા સમક્ષ કરવામાં આવ્યો હતો અને યોગ્ય તપાસ તેમજ પગલા લેવાની માંગણી કરવામાં આવી હતી.
દરમ્યાનમાં અગાઉ પોલીસમાં અરજી આપી હોવાનું પણ પરિજનોએ જણાવ્યુ હતું અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડતા મામલો ગરમાયો હતો, મૃતદેહને કોલ્ડમમાં રાખવામાં આવ્યો હતો. મૃતકના પરિજનો સહિતના પંચકોશી-એ ખાતે આ મામલે રજુઆત કરવા દોડી ગયા હતા.